• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ભાજપનો કાર્યકર સત્તા માટે નહીં, પણ સેવા માટે તત્પર

ભુજ, તા. 18 : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત જિલ્લા સ્તરનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત રાષ્ટ્રવાદી વિચારધારા, સ્વયંશિસ્ત, રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણના અનન્ય સંકલ્પ સહિત સંગઠનાત્મક મજબૂતાઈની પાઠશાળા સમાન જિલ્લા પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં કાર્યકરોને અદમ્ય જોમ અને જુસ્સાથી તરબતર કરવા માટે ખાસ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વર્ગ ખાતે સૌપ્રથમ વૃક્ષારોપણ કર્યા બાદ તેઓના હસ્તે કચ્છની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છની વીરાંગનાઓનો રાષ્ટ્રપ્રેમ, વાજપેયીજીની કચ્છ મુલાકાત, શ્રી મોદીની નર્મદા નીરનાં વધામણાંની ગવાહી પૂરતી તસવીરો નિહાળીને અભિભૂત થયા હતા. પ્રશિક્ષણ વર્ગના પ્રારંભે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે સૌને આવકારતાં જણવ્યું હતું કે, કચ્છ ભાજપના સૌ કાર્યકરો હંમેશાં લોકોની સેવામાં ખડેપગે રહ્યા છે અને કચ્છનો સમગ્ર ઇતિહાસ રાષ્ટ્રપ્રેમથી રંગાયેલો છે, ત્યારે આપણે સૌએ સરહદના જાગૃત પ્રહરી બનીને આપણી વતનપરસ્તી પેઢી દર પેઢીમાં ઉતારવી અનિવાર્ય છે. આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગના પ્રથમ સત્ર, કાર્યકર્તા વિકાસ, સંભાળ અને દાયિત્વ બોધના વિષય પર પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્માએ માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, પ્રશિક્ષણ એટલે કે સ્વનો સ્વ સાથેનો પરિચય. એક કાર્યકર્તા તરીકે આપણું પ્રધાન દાયિત્વ એટલે કે એક સમાજ અને રાષ્ટ્રની સેવાકાજે એક સારી વ્યક્તિનું ઘડતર થવું. ભાજપનો પ્રત્યેક કાર્યકર કદાપિ સત્તાલક્ષી કાર્ય કરતો નથી બલ્કે તેના અંતરમનમાં સેવાનો ભાવ અહર્નિશ પ્રજ્જવલિત હોય છે. ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ તરીકે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી રહ્યા હતા, જ્યારે સત્ર સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોરે કર્યું હતું. પ્રશિક્ષણ વર્ગનાં બીજાં સત્રમાં `ભાજપના ઇતિહાસ અને વિકાસ' વિષય પર સંબોધન કરતાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ભાજપનો રાષ્ટ્ર પ્રત્યેનો ખૂબ ઊજળો ઇતિહાસ રહ્યો છે, જેમાં ભાજપનો એકએક કાર્યકર હંમેશાં રાષ્ટ્ર માટે સમર્પિત રહ્યો છે. બીજાં સત્રમાં સત્રના અધ્યક્ષ તરીકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી રહ્યા હતા, જ્યારે સત્રનું સંચાલન જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ વિકાસભાઈ રાજગોરે કર્યું હતું. પ્રથમ દિવસના વર્ગના અંતે રાત્રે કચ્છી સાંસ્કૃતિક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજભાઈ ગઢવી, દિવાળીબેન આહીર, મહેશ ગઢવી સહિતના કલાકારોએ પ્રદેશ અધ્યક્ષ સહિતના સર્વે શ્રોતાઓને કચ્છી સાહિત્ય પીરસીને જકડી રાખ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રાસિંહ ચૌહાણ પણ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષણ વર્ગના આજના આ ઉદ્ઘાટન સમારોહમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, વર્ગના વાલી એવા બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વાધ્યક્ષ ગુમાનાસિંહ ચૌહાણ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ તરીકે વિકાસભાઈ રાજગોર, જ્યારે સહઇન્ચાર્જ તરીકે આણદાભાઈ આહીર અને પારુલબેન કારાએ જવાબદારી નિભાવી હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી તેમજ મીડિયા વિભાગના દીપકભાઈ ડાંગરની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd