• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ભારત જેવી ચૂંટણી પ્રક્રિયા જરૂરી : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા.18 :  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પદ્ધતિની પ્રશંસા કરીને `સેવ અમેરિકા એક્ટ'ને પસાર કરવાનો અનુરોધ કર્યો હતો. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `ટ્રુથ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે આપણા વહીવટીતંત્રને પૂછ્યું હતું કે અમેરિકામાં કાયદેસર ફોટો ઓળખપત્ર વિના ચૂંટણી કઈ રીતે થઈ શકે છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે આપણે હવે સેવ અમેરિકા એક્ટ પસાર કરવો પડશે. ટ્રમ્પે અમેરિકામાં ચૂંટણીપ્રક્રિયા કડક બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પ્રક્રિયા વધુ કડક કરવાથી અમેરિકી ચૂંટણીની સુરક્ષા અને વિશ્વસનીયતામાં વધારો થશે. આ ખરડામાં ટપાલથી મત આપવાની પ્રક્રિયાને ઘણી સીમિત કરી દેવાની જોગવાઈ છે. આ ખરડો અમેરિકી પ્રતિનિધિ સભામાં પસાર થઈ ચૂક્યો છે પરંતુ સેનેટમાં હજુ તેને મંજૂરી મળી નથી. વાસ્તવમાં આ મુદ્દે ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષમાં મતભેદ છે. ટ્રમ્પ સતત સેવ અમેરિકા એક્ટ પસાર કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેમનો દાવો છે કે તેનાથી ચૂંટણીની ગેરરીતિ રોકાઈ શકશે. અમેરિકામાં મતદાતા ઓળખપત્રનો મુદ્દો વિવાદમાં છે. તેના સમર્થકો માને છે કે તેનાથી ચૂંટણીની વિશ્વસનીયતા વધશે જ્યારે વિરોધીઓની દલીલ મુજબ દેશમાં બિન-નાગરિકોના મતદાન પર પહેલેથી જ પ્રતિબંધ છે અને કડક નિયમોને કારણે એવા મતદાતાઓને પણ અસર પહોંચી શકે છે જેમના પાસે જન્મ પ્રમાણપત્ર કે માન્ય પાસપોર્ટ જેવા દસ્તાવેજ નથી.

Panchang

dd