• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

દિલ્હી જલ બોર્ડ કૌભાંડ : સત્યેન્દ્ર જૈનની ધરપકડ

નવી દિલ્હી, તા. 18 : દિલ્હી જલ બોર્ડના એસટીપી ટેન્ડરોને લગતા કથિત કૌભાંડના મામલે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત કુલ છ લોકોની એસીબીએ મંગળવારે ધરપકડ કરી હતી. આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, પંજાબમાં ચૂંટણી નજીક આવી રહી છે, એટલે જૈન પર ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક મીડિયા હેવાલ મુજબ, એસીબીએ આપ નેતા સત્યેન્દ્ર જૈન ઉપરાંત દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સીઈઓ ઉદિત પ્રકાશ રાય (આઈએએસ), ભૂતપૂર્વ કરાર આધારિત સલાહકાર અંકિત શ્રીવાસ્તવ, એએન એન્ટરપ્રાઇઝિસના માલિક નાગેન્દ્ર યાદવ, યુરોટેક એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક રાજા કુમાર કુરા અને સૃજનહારના માલિક પંકજ વર્માની પણ ધરપકડ કરી હતી. આપના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનુરાગ ધાંડાએ જણાવ્યું હતું કે, ભાજપ `આપ'થી ડરે છે તે સાબિત કરવા માટે હવે કોઈ વધારાના પુરાવાની જરૂર નથી. જે જલ બોર્ડના ટેન્ડરનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે સમયે સત્યેન્દ્ર જેલમાં હતા; તો પછી જેલમાં હોવા છતાં તેમને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય? વાસ્તવિક કારણ એ છે કે, સત્યેન્દ્ર જૈન પંજાબના સહ-પ્રભારી છે અને રાજ્યમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે. એસીબીએ પૂછપરછ બાદ તમામ છ આરોપીની ધરપકડ કરી હતી. આ ગુના સાથે સંકળાયેલા નાણાંના વ્યવહારો (મની ટ્રેલ) અને સંપત્તિ અંગેની તપાસ હાલ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે, આ કૌભાંડને કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થયું છે. નાણાકીય તપાસમાં બહાર આવ્યું હતું કે, કમિશન અને લાંચની રકમ મેસર્સ સૃજનહાર અને મેસર્સ એએન એન્ટરપ્રાઇઝિસ મારફતે વાળવામાં આવી હતી. યુરોટેક સાથે સંકળાયેલી કંપનીઓમાંથી નાગેન્દ્ર યાદવની પેઢીમાં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ કેસ 11 મે, 2024ના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો.

Panchang

dd