ભુજ, તા. 18 : કચ્છમાં છૂટાછવાયા છાંટાને
બાદ કરતાં છેલ્લા એક પખવાડિયાથી મેઘ વિરામની સ્થિતિ જોવા મળી રહી છે. મેઘ વિરામના આ
માહોલ વચ્ચે મહત્તમ પારો ઊંચકાતાં વાતાવરણમાં ઉકળાટ વધ્યો છે. હવામાન વિભાગ દ્વારા
હળવો વરસાદ વરસવાની આગાહી તો રોજેરોજ કરવામાં આવે છે, પણ આ આગાહી ઠગારી નિવડતી જોવા મળી રહી છે. કયારેક-કયારેક
આકાશમાં વાદળો ઘેરાય છે, પણ આ વાદળો માત્ર ઝરમર છાંટા વરસતાંની
સાથે જ વિખેરાઇ જાય છે. વરસાદની ગેરહાજરીનાં કારણે અંજાર, ગાંધીધામમાં
મહત્તમ પારો ઊંચકાઇ 34 અને ભુજમાં
33 ડિગ્રીએ પહોંચ્યો છે. રાજ્યમાં ભાવનગર બાદ કંડલા (એ.) બીજા નંબરનું ગરમ
મથક બન્યું છે. લઘુતમ તાપમાન તમામ મથકોમાં 26થી 28 ડિગ્રી વચ્ચે
નોંધાયું હતું. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મતે કચ્છને વરસાદના સાર્વત્રિક
રાઉન્ડ માટે હજી લાંબો સમય રાહ જોવી પડે તેવું લાગી રહ્યું છે. કોઇ સક્રિય સિસ્ટમ સર્જાવાની
શક્યતા ખૂબ ઓછી હોતાં સંભવત: ઓગસ્ટ માસના બાકી દિવસો વરસાદ વિનાના પસાર થશે. નોંધનીય
છે કે કચ્છમાં અત્યાર સુધી માત્ર 29 ટકા વરસાદ પડયો છે જેના કારણે વરસાદની 50 ટકા જેટલી મોટી ઘટ જોવા મળી
રહી છે.