ગાંધીધામ, તા. 7 : સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા અહીંના કંડલા ટિમ્બર એસો.ના
હોલ ખાતે ખેડૂત જાગૃતિ શિબિર યોજાઈ હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા ઉચ્ચ અને ટેકનિકલ
શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે એગ્રો ફોરેસ્ટ્રી
અપનાવીને વૃક્ષો વાવવા અને આર્થિક સદ્ધરતા મેળવવા અનુરોધ કર્યો હતો. રાજ્યમંત્રીએ ટિમ્બર
એસો. પોતાની ફરજ સમજીને ખેડૂતોના વિકાસ માટે સામાજિક ઉતરદાયિત્વ નિભાવી રહ્યું છે.
કચ્છમાં કૃષિ આધારિત અનેક પ્રવૃત્તિઓના વિકાસને અવકાશ છે. વન વિભાગની મદદથી ખેડૂતો
વૃક્ષોનું વાવેતર કરીને તેના લાકડામાંથી આવક મેળવે તેમ તેમણે અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું
હતું. કે કચ્છ બાગાયતી ખેતીનું કેન્દ્ર બન્યું છે. ત્યારે એગ્રો ફોરેસ્ટ્રી સાથે પર્યાવરણના
સંરક્ષણની અપાર સંભાવનાઓ અહીં રહેલી છે. સામૂહિક પ્રયાસોથી કચ્છને હરિયાળું બનાવી શકાય
છે. વન વિભાગની નવતર પહેલ આવનારા સમયમાં વિકસિત
ભારતના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ બનશે તેવો વિશ્વાસ રાજ્યમંત્રીએ વ્યક્ત કર્યો
હતો. ગાંધીધામ મનપાના મેયર દિવ્યાબેન નાથાણીએ ખેડૂતોને વન વિભાગની આ યોજનાનો લાભ લઈ
વૃક્ષનું વાવેતર કરવા અપીલ કરી કેન્દ્ર, રાજ્ય સરકાર ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને તે માટે સતત પ્રયત્નશીલ હોવાનું
જણાવ્યું હતું. ખેડૂતો પરંપરાગત ખેતી સાથે વૃક્ષોની ખેતી કરીને આવકનું નવરત સાધન ઊભું
કરે તેવી દૃષ્ટિ સરકારની હોવાનું કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડો. ધીરજ કુમાર મિત્તલે
જણાવ્યું હતું. અહીં પ્લાયવૂડ ઉદ્યોગોની હાજરીથી એગ્રો ફોરેસ્ટ્રી માટે ખેડૂતોને સૌથી
અનુકૂળ વાતાવરણ મળી રહેશે. ખેડૂતો સાગ, ચંદન, મિલિયા, ડુબિયા, નીલગીરી,
અરડુસીના વૃક્ષોનું વાવેતર કરશે તો તેના લાકડાંના ગ્રાહકો સીધા અહીંથી
મળી રહેશે. નર્મદા કેનાલ નજીકના વિસ્તારોમાં ભેજ વધુ હોવાથી ત્યાં આવાં વૃક્ષોનું વાવેતર
કરી ગ્રીન બેલ્ટ ઊભો કરી તેમાં આયોજનબદ્ધ આવક મેળવવા એગ્રો ફોરેસ્ટ્રી અપનાવવા તેમણે
અનુરોધ કર્યો હતો. કંડલા ટિમ્બર એસો.ના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવે માનવ સભ્યતા વિકાસમાં
લાકડાંનું યોગદાન રહ્યું છે. લાકડું પ્રકૃતિની દેન છે. અમારે ઉદ્યોગો માટે વિદેશથી
લાકડાં આયાત કરવા પડે છે, પરંતુ અહીં જ મળી રહે તો ખેડૂતોને આવકના
સ્રોત ઊભા થવાનું તેમણે કહ્યું હતું. આ વેળાએ રાજ્યમંત્રી સાથે મ.ન.પા.ના મેયર,
જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, ડો. ધીરજ
મિત્તલ, વન વિભાગના જે.આર. પટેલ, નિવૃત્ત
આઈ.કે. બારડ વગેરે ઉપસ્થિત રહી દીપ પ્રાગટય કરી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે
રવિકીરણ ઈન્ડસ્ટ્રીઝ, વેલસ્પન અને ખેડૂતો સાથે એમ.ઓ.યુ. કરાયા
હતા તેમજ પાંચ પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું
હતું. રાજ્યમંત્રી અને અન્ય અગ્રણીઓ દ્વારા ટિમ્બર એસો.ના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું
હતું. આ વર્કશોપમાં આસિસ્ટન્ટ ટુ ફાર્મર્સ ટુ ઈક્રિઝ ગ્રીનકવર એન્ડ ઈન્કમ અન્ડર એગ્રો
ફોરેસ્ટ્રી યોજના વિશે મણિભાઈ પટેલ, આઈ.કે. બારડે ખેડૂતોને માર્ગદર્શન
પૂરું પાડયું હતું. વન વિભાગના એમ.એચ. આલ, કૃષિ યુનિવર્સિટીના
વી.એમ. પ્રજાપતિ, તોલાણી કોલેજના કલ્પેશ સોરઠિયા, કચ્છ પર્યાવરણ સંઘના પ્રમુખ અરજણભાઈ કાનગડ, વેલસ્પનના
આસિફ પઠાણ તથા પ્રેમજીભાઈ પટેલે ખેડૂતોને જુદી-જુદી ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડયું
હતું.