ગાંધીધામ, તા. 7 : ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનને
તા. 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 દરમિયાન ગત નાણાકીય વર્ષમાં
સ્વભંડોળની માત્ર 45 કરોડ 11 લાખ 83,978 રૂપિયાની આવક થઈ છે. તેની સામે
ખર્ચ ડબલ થઇ રહ્યો છે, જેના પગલે
કોર્પોરેશન ઉપર દેવું ચડી રહ્યું છે. તત્કાલીન નગરપાલિકાનું 55 કરોડથી વધુનું દેવું હતું.
તે સમયના અનેક કોન્ટ્રાક્ટરોના રૂપિયા હજુ સુધી બાકી છે, ચુકવણું થયું નથી, સરકારમાં
દરખાસ્ત થઈ છે, પણ નિર્ણય લેવાયો નથી તેવામાં સ્વભંડોળની આવક
નહિવત્ હોવાથી કોર્પોરેશન ઉપર દેવું ચડી રહ્યું છે. સૂત્રોનું માનીએ, તો 15થી 17 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરો
અને અન્ય એજન્સીઓને દેવાના બાકી છે. પરિણામે કામગીરી ઉપર અસર જોવા મળી રહી છે. જો આવી
જ રીતે કોર્પોરેશનનો વહીવટ ચાલશે, તો પગારમાં
પણ રૂપિયા ઘટે તેવી સ્થિતિ ઊભી થવાની ભીતિ જાણકારો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. ગત નાણાકીય
વર્ષમાં અલગ અલગ વેરાઓ મારફતે 33 કરોડ 44 લાખ 78,458 રૂપિયાની આવક થઈ છે, તો અલગ અલગ મિલકતોની ભાડાની એક કરોડ 43 લાખ 26 હજાર 593 આવક થઈ છે. જ્યારે વિવિધ ફી
પેટે એક કરોડ 11 લાખ 22,199 રૂપિયા તિજોરીમાં આવ્યા છે.
અન્ય પરચૂરણ આવક રૂપિયા નવ કરોડ ત્રણ લાખ 23987 રૂપિયાની આવક તિજોરીમાં આવી છે. આ ઉપરાંત ખાસ અધિનિયમ થકી શોપ
વિભાગની રૂ.19,500, જન્મ મરણ અધિનિયમથી રૂા. 8,82,031, લગ્ન નોંધણીથી રૂા. 26,580, માહિતી અધિકાર થકી 630 રૂપિયા અને ઢોર ડબ્બા અધિનિયમ
થકી 4000 સાથે કુલ 9,32,741 રૂપિયાની આવક થઈ છે. જો કે, રખડતા ઢોરને પકડવા માટે લાખો રૂપિયા ખર્ચાય
છે, તેની સામે આવક નહિવત છે. વર્ષ દરમિયાન સ્વભંડોળના 45,11,83, 978 રૂપિયા તિજોરીમાં આવ્યા
છે. મહાનગરપાલિકા 1 જાન્યુઆરી
2025માં અસ્તિત્વમાં આવી છે અને
દોઢ વર્ષનો સમયગાળો વીતી ગયો છે તેમ છતાં અધિકારીઓ કે પદાધિકારીઓ સ્વભંડોળની આવક વધે
તે માટેના સ્ત્રોત ઊભા કરવામાં નિષ્ફળ રહ્યા છે. હાલના સમયે ચાલુ નાણાકીય વર્ષમાં તિજોરી
તળિયાઝાટક છે. આવક કરતા ડબલ ખર્ચ થઈ રહ્યો છે, ગટર સફાઈ તેમજ સફાઈ, ડોર ટુ ડોર, સહિતની આવશ્યક સેવાઓની નિભાવણી કરતી એજન્સીઓને સમયસર પેમેન્ટ થતાં નથી તેનું
પરિણામ જમીન ઉપર પણ જોવા મળી રહ્યું છે. તિજોરીમાં સ્વભંડોળની આવક વધે તે દિશામાં પ્રયાસ
જરૂરી છે. આ ઉપરાંત સરકારમાંથી આવતી ગ્રાન્ટોના રૂપિયાનો બિનજરૂરી ઉપયોગ ટાળીને બચત
પૈસાને અન્ય જગ્યા ઉપર વિકાસનાં કામોમાં ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.
માનદવેતનથી આર્થિક ભારણ વધશે
મહાનગરપાલિકાના ચૂંટાયેલા બાવન કોર્પોરેટરને માનદવેતન આપવાનો
નિર્ણય લેવાયો છે. મહિને લગભગ 10,000 રૂપિયા
આપવામાં આવશે આ ઉપરાંત બેઠકનું ભથ્થું પણ આપવામાં આવશે. મહિને 5.20 લાખ રૂપિયા અને વર્ષે 60થી 70 લાખ રૂપિયાનો આર્થિક બોજ તિજોરી ઉપર આવશે. માનદવેતન કોર્પોરેટરોને
અપાય તેમાં વાંધો નથી, પરંતુ સ્વભંડોળની
આવક વધારવાના સ્ત્રોત ઊભા કરવા જરૂરી હોવાનું જાણકારો કહી રહ્યા છે.