નિરોણા (પાવરપટ્ટી), તા. 5 : કચ્છના મોટા રણકાંઠે પથરાયેલો પાવરપટ્ટી વિસ્તાર છેલ્લા ઘણા
વર્ષોથી વીજ સમસ્યાને લઇ ભારે પરેશાન છે. ધારાસભ્ય અને સાંસદ સહિત ગામને અલગ ફીડરથી
વીજ પુરવઠો આપવાની ભલામણ ધ્યાને ન લેવાતાં ગામજનો વીજતંત્ર સામે લડી લેવાનો સંકલ્પ
કરી આગામી થોડા દિવસમાં વીજ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકે આવેલા વીજ સબસ્ટેશનને
તાળાબંધી કરવાની ચીમકી ઊંચારવામાં આવી છે. પાવરપટ્ટીના મુખ્ય મથક સમા નિરોણા ખાતે આવેલાં
વીજ સબસ્ટેશનમાંથી આ ગામ ઉપરાંત અનેક નાનાં-મોટાં ગામો વીજ પુરવઠો મેળવે છે. દાયકાઓ
જૂની વિસ્તારની વીજ લાઇનો ભારે જર્જરિત બન્યા પછી છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયાને લઇ
લોકો ભારે પરેશાન છે. વિસ્તારનો ખેડવાણ વિસ્તાર પણ ખૂબ મોટો હોઇ ખેતી વિષયક વીજ લાઇનો
ગાંડા બાવળોની ગીચ ઝાડી વચ્ચેથી નીકળી દૂર-દૂર સુધી પથરાયેલી છે. ભારે પવનને લઇ ગીચ
ઝાડી વચ્ચેથી નીકળતી લાઇન ફોલ્ટ થતાં સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયેલો રહે છે.
જેને લઇ ખાસ કરીને પાણી પુરવઠા ઉપર મોટી અસર ઊભી થાય છે. ગામની વસ્તી દશ હજારથી પણ
વધુ હોઇ વીજ વિક્ષેપને લઇ બેન્ક, પોસ્ટ,
ગ્રામ પંચાયત, પ્રા. આરોગ્ય કેન્દ્ર, શાળાઓ, પોલીસ સ્ટેશન, દૂધ ડેરી
ઉપરાંત અનેક ધંધાઓ ઉપર માઠી અસર ઊભી થાય છે. હાલ અતિશય ઉકળાટ વચ્ચે લોકો ભારે પરેશાન
છે. લાંબી વીજલાઇનો લઇ કોઇ એક ગામમાં વીજ ફોલ્ટ થાય તો તમામ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયેલો
રહે છે તેવી વીજ વ્યવસ્થાને
લઇ લોકોમાં ભારે રોષ છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગામની પંચાયત દ્વારા આ ગામને અલગ ફીડરથી
વીજ પુરવઠો આપવાની માંગ આજ સુધી સંતોષાઇ નથી. વિસ્તારના ધારાસભ્યએ પણ આ બાબતે અનેક
લેખિતમાં ભલામણો કરી છે. વર્ષો અગાઉ આ ગામ સાંસદ દત્તક યોજના હેઠળ તત્કાલીન કેન્દ્રીય
કાપડમંત્રી સ્મૃતિબેન ઇરાનીએ આ ગામને દત્તક લીધું ત્યારે પણ કચ્છી સાંસદ વિનોદભાઇ ચાવડાએ
આ સમસ્યાને હલ કરવા વીજ વિભાગને ભલામણ કરી હતી, પરંતુ આજ સુધી આ અંગે કોઇ કામગીરી થઇ નથી. આગામી ચોમાસાની મોસમ દરમ્યાન આ સમસ્યા
વધુ વણશે એ પહેલાં ગામના સરપંચ નરોત્તમભાઇ આહીરે વીજ વિભાગને પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી
હાથ ધરવા વિનંતી કરી છે. પત્રમાં વિસ્તારની તમામ ગ્રામ જ્યોતિ યોજનાની લાઇનો સાફ કરવી,
ચોમાસા પૂર્વે નડતર રૂપ ઝાડી દૂર કરવી, તમામ ગ્રામ
જ્યોતિ યોજના ક્રોસિંગની જગ્યાએ કેબલ ક્રોસિંગ કરવા, જૂના જર્જરિત
તમામ વીજ વાયરો બદલાવવા, નિરોણા વીજ સબસ્ટેશનમાં ખાલી પડેલ વિલેજ
હેલ્પરની જગ્યા ભરવી જેવી કાર્યવાહી કરવા જણાવાયું છે. વધુમાં પત્રમાં જણાવાયા મુજબ
આ કામગીરી સાત દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો ગામના લોકો દ્વારા નિરોણા વીજ સબસ્ટેશનને
તાળાબંધી કરી વીજબિલ ભરવાની કામગીરી નહીં કરવા દેવાની ચીમકી આપવામાં આવી છે.