• રવિવાર, 07 જૂન, 2026

કચ્છ સહિતના સરહદી જિલ્લામાં એર રેડ વોર્નિંગ સિસ્ટમ લાગશે

ભુજ, તા. 5 : દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે ભારત સરકારે એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ સહિતના દેશના 244 સંવેદનશીલ સરહદી જિલ્લાઓમાં એર રેડ વોર્નિંગ સિસ્ટમ લગાડવામાં આવશે. આ વોર્નિંગ સિસ્ટમ થકી માત્ર ફાઇટર જેટ જ નહીં, પરંતુ તમામ પ્રકારના આધુનિક ડ્રોન, મિસાઇલોને ટ્રેક કરી નાગરિકોને આગોતરી ચેતવણી મળશે. પહેલગામના આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી આતંકી કેમ્પોનો સફાયો કર્યો હતો. આ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો તણાવનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાને કચ્છ સહિતના સરહદી જિલ્લાઓમાં ડ્રોન હુમલા કર્યા હતા. ભારતીય સંરક્ષણ દળોની આધુનિક સિસ્ટમ થકી આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યાં હતાં. ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારના ધ્યાને એ હકીકત આવી હતી કે, દેશમાં અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ જેવી આધુનિક સિવિલિયન ડિફેન્સ સિસ્ટમની જરૂરિયાત અનુભવાય છે. ભારત સરકારે આ પ્રોજેક્ટને વધુ સચોટ રીતે અમલી બનાવવા માટે એર ડિફેન્સ ઓપરેશન, રડાર સિસ્ટમ અને એર રેડ પ્રોસિજરમાં લાંબો અનુભવ ધરાવતા ભારતીય વાયુદળના નિવૃત્ત અધિકારીઓની નિમણૂક કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે. કેન્દ્ર સરકારે એર રેડ વોર્નિંગ સિસ્ટમ માટે એવા સંવેદનશીલ સરહદી જિલ્લાઓ તારવ્યા છે કે જે સંભવિત યુદ્ધ કે હવાઇ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલાં દુશ્મન દેશની ઝપેટમાં આવી શકે છે. તાજેતરમાં કચ્છની સંવેદનશીલ એવી હરામીનાળા સરહદની મુલાકાતે આવેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઇથી નિરીક્ષણ કરવાની સાથે આગામી બેથી ત્રણ વર્ષમાં સિરક્રીક અને હરામીનાળાની સુરક્ષા વ્યવસ્થા અભેદ બનશે તેવી મહત્ત્વપૂર્ણ વાત સૈન્ય જવાનો સાથેના સંવાદમાં કરી હતી.ઓપરેશન સિંદૂર બાદ સંરક્ષણ દળોએ ડ્રોન ટેકનોલોજી વિકસાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે નાગરિકોને ડ્રોન, મિસાઇલ હુમલાની આગોતરી જાણ કરતી આ સિસ્ટમ કાર્યરત કરવા અંગે ભારત સરકારે પોતાના પ્રયાસોને તેજ બનાવ્યા છે. 

Panchang

dd