માંડવી, તા. 19 (પ્રતિનિધિ દ્વારા) : બંદરીય
શહેરના નગર સેવા સદનમાં હરિરામ નથુભાઈ કોઠારી સભાખંડમાં પ્રમુખ, ઉપપ્રમુખની યોજાયેલી
ચુનાવી પ્રક્રિયામાં પાલિકાના પ્રમુખપદે વર્ષબેન વીનેશભાઈ જોશી, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે
મુકેશભાઈ ધનજી રાબડિયા નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા. 36 સદસ્યોના જનરલ બોર્ડમાં આ
વેળાએ વિપક્ષનો એકડો પણ ઉપસ્થિત નહીં હોવાથી તેને અભૂતપૂર્વ ઘટના ગણાવાઈ હતી. સભાનું
અધ્યક્ષસ્થાન અબડાસા તાલુકાના પ્રાંત અધિકારી અને અધ્યક્ષાધિકારી ચેતનકુમારભાઈ પ્રજાપતિએ
સંભાળ્યું હતું. રાજકીય, સામાજીક અને સખાવતી રીતે પ્રદેશમાં નોખી ભાત પાડતાં આ શહેરની
પાલિકાના નવનિર્વાચિત જનરલ બોર્ડમાં પ્રમુખ, ઉપપ્રમુખ વગેરે પદાધિકારીઓની આજે યોજાયેલી
ચુનાવી કાર્યવાહીના પ્રારંભે જિલ્લા ભાજપ વતી પ્રભારી તરીકે આવેલા રવીન્દ્રભાઈ ત્રવાડી
અને છાયાબેન ગઢવીએ ચૂંટાયેલા નગરસેવકો સાથે બેઠક યોજીને મેન્ડેટ પ્રસ્તુત કર્યું હતું.
પક્ષીય સ્તરે આયોજિત બેઠક બાદ ચુનાવી પ્રક્રિયા હાથ ધરાતાં અને બન્ને પદો માટે એક-એક
આવેદનપત્ર પ્રસ્તુત કરાતાં વિના વિરોધ સર્વસંમત પદાધિકારીઓની અધિકૃત ઘોષણા કરવામાં
આવી હતી. આ ઉપરાંત આજે કારોબારી સમિતિના ચેરમેન તરીકે વિજયભાઈ હરજી ગઢવી, સત્તાપક્ષના
નેતા તરીકે વિજયભાઈ ભીખાલાલ ચૌહાણ અને દંડક તરીકે જિગર કિશોરભાઈ ધાયાણીની વરણી કરાઈ
હતી. ચૂંટાયેલા પદાધિકારીઓને ઉપસ્થિતોએ મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. પાલિકાના
મુખ્ય અધિકારી જિજ્ઞેશભાઈ બારોટ રજા પર હોવાથી ભચાઉ ન.પા.ના ચી.ઓ. અનિરુદ્ધસિંહ ઝાલા
ખાસ ફરજ પર હતા. નગર સેવા સદનના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ મનજીભાઈ પરમારે કાર્યવાહી સંભાળી
હતી. બેઠકમાં ચૂંટાયેલા નગર સેવકો ઉપરાંત પૂર્વ પ્રમુખો હરેશભાઈ વિંઝોડા, સુજાતાબેન
ભાયાણી, નરેન્દ્રભાઈ પીઠડિયા, મેહુલભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ દર્શનગિરિ ગોસ્વામી,
કાશ્મીરાબેન રૂપારેલ, કમલેશ ગઢવી, ગીતાબેન રાજગોર, નરેન સોની વગેરેએ પદગ્રહણ કરનારને
શુભકામનાઓ પાઠવી હતી. દરમ્યાન ધરારાસભ્ય અને ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ
કાર્યાલય ખાતે શુભેચ્છાઓ પાઠવતાં જનહિતાર્થે સમર્પિત ભાવે સેવાયજ્ઞમાં આહુતિ આપવા અને હકારાત્મક લોકસહયોગ પ્રાપ્ત કરવા અનુરોધ કર્યે હતો. - પ્રજાભિમુખ
કાર્યોમાં કચાશ નહીં રખાય : માંડવી
નગર સેવા સદનમાં મહિલા અનામતની બેઠક ઉપર એક સૂરે પદનશીન થયેલાં પ્રમુખ વર્ષાબેન વીનેશભાઈ
જોશીએ પોતાના શિરે વિશ્વાસનો કળશ મૂકવા બદલ અહોભાવ-આભાર પ્રગટ કરતાં જણાવ્યું હતું
કે, વિકાસની કેડીએ અધૂરાં રહેલાં કે પાઈપલાઈન
હેઠળનાં જનાભિમૂખ કાર્યો-પ્રકલ્પોને પૂરાં કરવા-સાકાર કરવામાં કોઈ કચાશ નહીં રહેવા
દેવાય. જનસેવા કાજે સદૈવ તત્પર રહેવાનો સંકલ્પ છે. શહેરના ભૌતિક વિકાસ અર્થે ખૂટતી
કડીઓ પરિપૂર્ણ કરવા તમામ શક્તિઓ લગાડાશે. તેમણે પોતાની કાર્યક્ષમતા, સમર્પિતતા પ્રત્યે
વિશ્વાસ રાખનાર પક્ષના મોવડીમંડળ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, રાજ્ય સરકાર, શહેરીજનોનું
ઋણ પ્રગટ કરતાં સમતુલિત વિકાસયાત્રાનો વિશ્વાસ આપ્યો હતો.