• બુધવાર, 20 મે, 2026

અમદાવાદમાં ડર્ટી ક્રિપ્ટોનું કૌભાંડ; હમાસ સાથે તાર!

અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી ) : ગુજરાત સીઆઈડી ક્રાઈમના સ્ટેટ સાયબર ક્રાઈમે આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો રેકેટનો પર્દાફાશ કરતા નવ શખ્સોની ધરપકડ કરી છે. આ સિન્ડિકેટના તાર ગાઝાના પ્રતિબંધિત આતંકી સંગઠન હમાસ સાથે જોડાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સિન્ડિકેટના સભ્યોએ ડર્ટી ક્રિપ્ટોમાં રૂ. 226.54 કરોડના વ્યવહારો કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ટોળકી આતંકવાદી ભંડોળ પુરું પાડવું, ડ્રગ ટેરર, સોનાની દાણચોરી, માનવ તસ્કરી અને અન્ય ગેરકાયદે પ્રવૃતિઓ સાથે સંકળાયેલી હોવાનો ભાંડાભોડ થયો છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ટેકનિકલ ટીમે ક્રિપ્ટો વોલેટ પરની ગતિવિધિઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટીમને એક એવું ક્રિપ્ટો વોલેટ મળ્યું, જેમાં રૂ.226.54 કરોડના નાણાકીય વ્યવહારો થયા હતા. આ નાણાંનો મોટો ભાગ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં સંગઠનોનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આતંકી સંગઠન હમાસ સાથે જોડાયેલા 'અલ-કાહિરા'  સાથે પણ નાણાકીય વ્યવહારો થયા હોવાની વિગતો મળી હતી. તપાસમાં જણાયું હતું કે, આંતરરાષ્ટ્રી ડ્રગ તસ્કરીમાં સામેલ નાર્કોટિક્સ ડાર્ક વેબ પ્લેટફોર્મ અછઝઊખઈંજકઅઇ.ઈઈથી આઈપી એડ્રેસ પર પેમેન્ટ કરાતું હતું. બ્લોકચેઈન પૃથ્થકરણને આધારે જાણ થઈ કે, અમદાવાદમાં રહેતા મોહિસન સાદિક મોલાની દ્વારા સંચાલિત ક્રિપ્ટો વોલેટમાં આ તમામ વ્યવહારો થયા છે. વધુ તપાસ કરતા તેની સાથે નવ સંલગ્ન ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા હતા. સીઆઈડી ક્રાઈમની ટીમે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સ્પષ્ટ થયું કે, ગુપ્ત એવા બે મોનેરો ક્રિપ્ટો વોલેટ દ્વારા શંકાસ્પદ આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા છે. આ લેવડદેવડ કરનારા મોટા ભાગના લોકો મુંબઈ, હરિયાણા તેમજ અમદાવાદના કોટ વિસ્તારના રહેવાસી યુવકો છે. સીઆઈડી ક્રાઈમના એસપી રાજદીપાસિંહ ઝાલાએ તાત્કાલિક ગુનો નોંધવાની સૂચના આપી હતી. 10 અધિકારીઓની વિશેષ ટીમ બનાવીને તબક્કાવાર 20 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 9 મુખ્ય આરોપીઓની સઘન પૂછપરછ કરતાં તેમની પાસેથી અનેક ક્રિપ્ટો વોલેટ તથા ડિજિટલ વોલેટ મળી આવ્યા હતા.  વોલેટમાં રહેલા ક્રિપ્ટો કરન્સીને યુએસડીટીમાં તબદીલ કરીને નાણાંને હવાલા દ્વારા પહોંચાડવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. સ્ટેટ સાયબર ક્રાઈમે અમદાવાદના મોહિસન સાદિક છીપા, એજાઝ પઠાણ, મોહમ્મદઝૈદ સિદ્દી, નાવેદ પઠાણ, ફૈઝઅહેમદ ચિસ્તી, સલમાનખાન પઠાણ અને ગુલામ સાદિક અંસારીની ધરપકડ કરી છે. મુંબઈમાંથી ઝીશાન મોતિવાલાની અને હરિયાણાના કર્નાલમાંથી લવપ્રીત માધારુની ધરપકડ કરાઈ છે. મોહમ્મદ ઝુબેર પોપટિયા હાલ વિદેશમાં હોય પકડાયો નથી જ્યારે સલમાન ગુલામ અંસારી યુકેની જેલમાં છે. તમામ વિરુદ્ધ બીએનએસ અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. - આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કૌભાંડ પણ પકડાયું  : સ્ટેટ સાયબર ક્રાઈમના ઉચ્ચ અધિકારીના મતે આ સિન્ડિકેટ દ્વારા ભારત, દુબઈ અને યુકે વચ્ચે 2023 સુધી આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ રેકેટ પણ ચલાવાતું હોવાનું તપાસમાં ખુલ્યું છે. મોહસિન મોલાની અમદાવાદમાંથી ટેલીગ્રામ ગ્રુપ અને ડાર્ક વેબની મદદથી કથિત રીતે ડ્રગ્સના ઓર્ડર મેળવતો હતો. ત્યારબાદ તે દુબઈ સ્થિત પોપટિયાને તથા યુકેમાં રહેતા સલમાન ગુલામઅલી અંસારીને આ ઓર્ડર મોકલાવતો હતો. બ્રિટનમાં અંસારી તેના નેટવર્કની મદદથી ડ્રગ્સનો જથ્થો ગ્રાહકો સુધી પહોંચાડતો હતો. ડ્રગની કમાણીના નાણાંને ક્રિપ્ટોમાં તબદીલ કરી દેવાતા હતા અને તેને ખાસ વોલેટમાં ટ્રાન્સફર કરાતા હતા.  

Panchang

dd