• બુધવાર, 20 મે, 2026

મુંદરા બારોઈ પાલિકાના શાસનમાં વોર્ડ-2 છવાયો

મુંદરા, તા. 19 (પ્રતિનિધિ દ્વારા) : મુંદરા - બારોઈ નગરપાલિકાના વોર્ડ નં.2ના ત્રણ સભ્યો ભોજરાજ ગઢવી પ્રમુખ તરીકે, આશાબેન સોરઠિયા ઉપપ્રમુખ પદે તથા કારોબારી ચેરમેન પદે ધર્મેન્દ્રસિંહ ઝાલાની વરણી થતાં પાલિકાના શાસનમાં વોર્ડ નં.2નું મહત્ત્વ વધ્યું છે. પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા દ્વારા બોલાવાયેલી સામાન્ય સભામાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સહિતના અન્ય હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી. કોંગ્રેસમાંથી પ્રમુખ તરીકે ફારૂક સુમરા, ઉપપ્રમુખ પદ માટે જમનાબેન પાતારિયાની દરખાસ્ત આવી હતી, પરંતુ પાલિકાના કુલ 26માંથી 19 સદસ્યો ભાજપના હોવાથી પ્રમુખ-ઉપપ્રમુખ જેવા મહત્ત્વના હોદ્દા પર બહુમતીથી નિર્ણયો ભાજપના પક્ષમાં આવ્યા હતા. ભાજપ દ્વારા બોલાવાયેલી બેઠકમાં વિવિધ નામોનું મેન્ડેટ વિકાસ રાજગોર તેમજ શહેર ભાજપ પ્રભારી અમૂલ દેઢિયા લઈ આવ્યા હતા, જેમાં કારોબારી ચેરમેનના હોદ્દા ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે  દિલીપ ગોર તથા દંડક તરીકે પ્રકાશ ઠક્કરનાં નામની જાહેરાત કરાઈ હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલે સૌ નગરસેવકોને શહેરના વિકાસ માટે કટિબદ્ધ રહેવા અનુરોધ કર્યો હતો. - મુદ્રામાં પાણી ને સફાઈ પ્રાથમિકતા ટૂંકમાં પ્રિ મોન્સૂન કામગીરી : મુન્દ્રા - બારોઈ નગરપાલિકાના પ્રમુખ અને પદાધિકારીઓને આજે થયેલી વરણી બાદ  નવનિયુક્ત પ્રમુખ ભોજરાજભાઈ ગઢવીએ કહ્યું હતું કે, પાણી- સફાઈના મુદ્દા અમારી પ્રાથમિકતા રહેશે અને હોદ્દો સંભાળ્યા બાદ અમે તુરંત જ પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરી દેશું. કારોબારી ચેરમેન તરીકેનો અઢી વર્ષનો અનુભવ લઈ ચૂકેલા શ્રી ગઢવીએ કચ્છમિત્ર સાથે વાત કરતાં કહ્યું હતું કે,  મુન્દ્રામાં પાણીની સમસ્યા ઉકેલતી યોજના સાકાર થઈ ચૂકી છે. પણ, હજુ ઘણા રહેવાસીઓએ જોડાણ નથી લીધા, એટલે અમે બાકીના લોકોને જોડાણ આપવા ખાસ ઝુંબેશ ચલાવશું. આ ઉપરાંત સફાઈ એ અમારી ખાસ પ્રાથમિકતા રહેશે. હોદ્દો સંભાળતાની સાથે જ પ્રિ મોન્સૂન કામ શરૂ કરવામાં આવશે જેથી વરસાદમાં લોકોને તકલીફ ન પડે.  

Panchang

dd