લખનઉ, તા. 18 : ઉત્તરપ્રદેશમાં ઇદનાં એક અઠવાડિયાં પહેલાં
રસ્તાઓ પર નમાજ નહીં કરવા દેવાની કડક ચેતવણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપી હતી.
લખનઉમાં એક સમારોહ સંબોધતાં યોગીએ કહ્યું હતું કે, લોકો
પ્રેમથી માનશે તો સારું છે, નહીંતર બીજા ઉપાય અપનાવવા પડશે,
નમાજ પઢવી છે તો એક નિયત સ્થળ પર કરો. અમે નમાજને રોકી રહ્યા નથી,
પરંતુ માર્ગો પર અરાજકતા નહીં થવા દેવાય, રસ્તા
નમાજ કે કોઇ પણ પ્રકારની ભીડ કરવા માટે નથી, તેવી સ્પષ્ટ વાત
તેમણે કરી હતી. મુખ્યમંત્રી બોલ્યા હતા કે, રસ્તાઓ સામાન્ય
જનતાના ચાલવા, વાહનો ચલાવવા માટે છે, ટ્રાફિક
અવરોધવાનો અધિકાર કોઇને નથી. સૌએ સિસ્ટમમાં રહેવું પડશે અને સૌ કોઇએ કાયદાનાં
રાજને માનવું પડશે, તેવી વાત યોગીએ કરી હતી. મુખ્યપ્રધાને
બરેલીમાં થયેલી બબાલનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, લોકોએ
હાથ અજમાવ્યો હતો. તાકાત પણ જોઇ લીધી. કાયદો સૌ માટે એક સમાન છે. કોઇને પણ માર્ગો
જામ કરીને અવ્યવસ્થા ફેલાવવાની છૂટ નહીં અપાય, તેવી ચેતવણી
યોગીએ આપી હતી.