• બુધવાર, 20 મે, 2026

ઘાસચારો - પાણીની વિકટ તંગી સર્જાતાં પચ્છમના માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા

મુસા સુમરા દ્વારા : સુમરાપોર - પચ્છમ (તા. ભુજ), તા. 19 : તાલુકાના સરહદી પચ્છમ વિસ્તાર માલધારીઓના મુલકમાં પશુઓ માટે ઘાસચારો અને પીવાનાં પાણીની વિકટ તંગી સર્જાતાં પશુપાલકો મોટી મુશ્કેલીમાં સપડાયા છે. પશુઓ માટે શિયાળાની સિઝન સુધી ઘાસ-પાણીના કારણે સારા દિવસો ગયા બાદ ઉનાળાનો કપરોકાળ મહા-મુસીબતમાં પસાર થઇ રહ્યો છે, તેવામાં હવે પશુઓને પીવા માટે તળાવોમાં સંગ્રહ થયેલું પાલર પાણી ખૂટી ગયું છે અને જે પાણી બચ્યું છે તે પીવાલાયક રહ્યું નથી તેથી પશુઓની તરસ હવે માલધારીઓ માટે મહામુસીબત સમાન બની છે. ડુંગરની તળેટીઓ, વન-વગડાના સીમાડા-ખેતરોમાં એરંડાના ભેલાણ વગેરે પૂરા થઇ ગયા છે. હવે ઘાસનું તણખલું પણ બચ્યું નથી ત્યારે ગાંડા બાવળની ફળી ખાઇ પશુઓ ભૂખ સંતોષી રહ્યા છે. મેઘાની મહેરની પધરામણી સમયસર થાય તો પણ હજુ એકાદ મહિનાની વાર છે તેવામાં આ કપરોકાળ વિકટરૂપ બનશે એવી ચિંતા આ વર્ગને સતાવી રહી છે. તીવ્ર લૂ, ધોમધખતા તાપ ને ભૂખમરાની અસર, પાણીની તંગી થકી દૂધની માત્રામાં મોટા ઘટાડાનું કારણ બન્યું છે. પશુઓ માટે દાણના ભાવ આસમાને આંબી ગયા છે. ઘાસની સાથે પશુઓ માટે પીવાનાં પાણીની ખરીદી પડકારરૂપ બની છે. ગામડાંઓના અવાડાઓ, પચ્છમ પરાની વાંઢોના આવાડાઓમાં વરસાદરૂપી પાણી પડે છે, નહીં તો ખાલીખમ-સૂકાભઠ્ઠ ભાસે છે. પશુપાલકો પાણીની ખરીદી માટે મજબૂર બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ પશુઓ માટે પીવાનાં પાણીનું કોઇ નક્કર આયોજન દર વર્ષે કરાતું નથી, જેથી લોકોને પીવા અને ઘરવપરાશ માટે પાણીનાં ખાનગી ટેન્કરો ખરીદવાં પડે છે ને પશુઓને પીવાં માટે પાણી પણ ખરીદવું પડે છે, જેથી આ વર્ગ બેવડી મુસીબતમાં સપડાયો છે. આજે જો બાવળની ફળી ન હોત તો સેંકડો પશુધન ભૂખમરાના કારણે મરણને શરણ થયાં હોત. આજની મોંઘવારીમાં પોતાના બાળ-બચ્ચાં-પરિવારના ભરણ-પોષણની વિશેષ જવાબદારી છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિઓમાં પાર થવું માલધારી વર્ગ માટે ખૂબ જ પડકારજનક અને કઠિન છે. 

Panchang

dd