અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી)
: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સરકારે સરકારી કચેરીઓને ઈંધણ બચાવવા
કડક આદેશ કર્યો છે. જે અંગે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કચેરીઓ
માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો અંતર્ગત સરકારી અધિકારીઓ
માટે અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ અને જિલ્લા બહારની મુસાફરી કરવા પર પ્રતિબંધ
મુકાયો છે, તેમજ બેઠકો માટે વીડિયો કોન્ફરન્સિગ અને ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ
કરવા સૂચના અપાઈ છે. ઈંધણની બચત માટે એકથી વધુ ચાર્જ સંભાળતા અધિકારીઓએ વધારાના વાહનો
`સરકારી વાહન પુલ'માં જમા કરાવવા પડશે
અને ઉપલબ્ધ હોય ત્યાં ઈલેક્ટ્રિક વાહનો (ઈવી) કે જાહેર પરિવહનનો જ આગ્રહ રાખવો પડશે. સરકારી કામકાજ માટે પ્રવાસો ટાળી ટેલિફોન, મોબાઈલ,
ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો, ક્ષેત્રીય અધિકારીઓને
માટિંગ માટે બોલાવવાને બદલે `ઓનલાઈન
માધ્યમ'ને પ્રાધાન્ય આપવું, અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કરવો નહીં અને વિદેશમાં
યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું, જો પ્રવાસ
અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ અત્યંત જરૂરી હોય તે સિવાય હાથ નીચેના સ્ટાફને સાથે
ન રાખવો જેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરી વધારાના
વાહનો બિનવપરાશમાં મૂકવાના રહેશે. તમામ સરકારી
કેન્ટીનોમાં આગામી 6 મહિનામાં
પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) કનેક્ટિવિટી ફરજિયાતપણે મેળવવાની રહેશે. આ સૂચનાઓનો તમામ
સરકારી વિભાગો, ખાતાના વડાઓ, જાહેર સાહસો, બોર્ડ-નિગમો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
અને સરકારી યુનિવર્સિટીઓએ ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.