ઓસ્લો, તા. 19 (પીટીઆઈ) : ભારત અને નોર્ડિક દેશોએ મંગળવારે પોતાના સંબંધોને
ગ્રીન ટેક્નોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય લીધો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નોર્ડિક સમકક્ષો
સાથે સ્વચ્છ ઊર્જા, ટકાઉપણું, નવીનતા, ઉભરતી ટેક્નોલોજી તેમજ અન્ય મુખ્ય ક્ષેત્રો પર
ધ્યાન કેન્દ્રિત કરીને વાતચીત કરી હતી. ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટ બાદ સંયુક્ત
પ્રેસ નિવેદનમાં, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત અને નોર્ડિક રાષ્ટ્રો `આતંકવાદ પર સ્પષ્ટ અને સંયુક્ત વલણ ધરાવે
છે : કોઈ સમાધાન નહીં, કોઈ બેવડાં ધોરણ નહીં. મોદીએ કહ્યું હતું કે, વૈશ્વિક તણાવ અને
સંઘર્ષોના આ યુગમાં, ભારત અને નોર્ડિક રાષ્ટ્રો નિયમો-આધારિત વૈશ્વિક વ્યવસ્થાને મજબૂત
બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. `યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષોના વહેલા ઉકેલ અને
શાંતિ તરફના પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.' `લોકશાહી, કાયદાના શાસન અને બહુપક્ષીયતા
પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતા આપણને કુદરતી ભાગીદાર બનાવે છે એમ મોદીએ કહ્યું
હતું. વડાપ્રધાન મોદી સાથે આઇસલેન્ડના પીએમ ક્રિસ્ટ્રન ફ્રોસ્ટાડોટીર, ફિનલેન્ડના પીએમ
પેટેરી ઓર્પો, ડેન્માર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન, નોર્વેના પીએમ જોનાસ ગાહર
સ્ટોર અને સ્વીડિશ વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન જોડાયા હતા. ` આજે, અમે ભારત-નોર્ડિક સંબંધોને ગ્રીન
ટેક્નોલોજી અને ઇનોવેશન વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ ગ્રીન
ટેક્નોલોજી ભાગીદારી સાથે અમે સમગ્ર વિશ્વ માટે વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરીશું
એમ મોદીએ કહ્યું હતું. આઠ વર્ષ પહેલાં નોર્ડિક દેશો સાથે ભારતના સંબંધોને ઊર્જા આપવા
અને વેગ આપવા માટે આ ફોર્મેટની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આ નવીનતાને
સ્કેલ અને પ્રતિભા સાથે જોડશે, જ્યારે ટકાઉપણું, વિશ્વસનીય ટેક્નોલોજી અને માનવતા માટે
સારાં ભવિષ્ય પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને આગળ વધારશે. મોદીએ તેમના નોર્ડિકના
સમકક્ષો સાથે અલગ-અલગ બેઠકોમાં ઊર્જા, ડિજિટલાઈઝેશન, વ્યાપાર સહિતના મુદ્દે વાતચીત
કરી હતી. નોર્વેનો પ્રવાસ પૂર્ણ કરી મોદી ઈટાલી જવા રવાના થયા હતા.