• બુધવાર, 20 મે, 2026

અંજારમાં જનસુખાકારીના કામોને પ્રાથમીકતા અપાશે

અંજાર,તા. 19 :  ઐતિહાસિક નગર અંજાર નગરપાલિકામાં  ભાજપે વધુ એક વખત સત્તાનું શુકાન સંભાળ્યા બાદ આજે  પદાધિકારીઓની  વરણી કરાઈ હતી.  આ દરમ્યાન વિપક્ષના સભ્યોએ  પણ ઉમેદવારી પત્રો ભર્યા હતાં. આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદે અનુભવી નગરસેવિકા ધર્મિષ્ઠાબેન ખાંડેકાની વરણી કરવામાં આવી  હતી જયારે ઁ ઉપપ્રમુખ પદે પરેશભાઈ માલસતર, કારોબારી સમિતિના ચેરમેન પદે પ્રકાશભાઈ લોદરીયા, શાસક પક્ષના નેતા તરીકે આશિષ ઉદવાણી તથા દંડક તરીકે ગિરીશભાઈ પરમારની પસંદગી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી  એસ.જે.  ચૌધરીની અધ્યક્ષતા તથા ચીફ ઓફિસર તુષાર ઝાલરિયાની ઉપસ્થિતિમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યોની વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પક્ષ દ્વારા નિયુક્ત વ્હીપ દ્વારા સત્તાવાર મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું અને સર્વસંમતિથી હોદેદારોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારોએ પણ દાવો રજૂ કર્યો હતો, પરંતુ લોકશાહી ઢબે યોજાયેલી પ્રક્રિયામાં ભાજપ સમર્થિત હોદેદારો વિજયી જાહેર કરાયા હતા. હોદેદારોની વરણી બાદ અંજાર નગરપાલિકાના પટાંગણમાં મોટી સંખ્યામાં લોકો નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છા પાઠવવા ઉમટી પડ્યા હતા. ઢોલ-નગારા તથા આતશબાજી સાથે ઉજવણીનો ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો.આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોની સેવા માટે મહત્વપૂર્ણ જવાબદારી સોપીં હોવાનું કહી પક્ષ પ્રત્યે આભારની લાગણી વ્યકત  કરી હતી.આગામી સમયમાં શહેરના લોકોની સુખાકારી માટે જરૂરી તમામ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને પાણી, ગટર, રોડ-રસ્તા તથા સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓમાં કોઈ કચાશ ન રહે તે માટે વિશેષ ધ્યાન અપાશે. સાથે સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત વિકાસના કાર્યોને પણ ગતિ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધર્મિષ્ઠાબેન ખાંડેકા ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે અને નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. તેઓ વર્ષ 2018 દરમિયાન અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે પણ સેવા આપી ચૂક્યા છે તેમજ વિવિધ સમિતિઓમાં પદાધિકારી તરીકે જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. જ્યારે કારોબારી સમિતિના ચેરમેન તરીકે પસંદ થયેલા પ્રકાશભાઈ લોદરીયા હાલમાં અંજાર એપીએમસીના ચેરમેન પદે પણ સેવા આપી રહ્યા છે. આ પ્રસંગે નિરીક્ષક જયસુખભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, ડેનીભાઈ શાહ, મુકેશભાઈ છાંગા, ક્રિપાલસિંહ રાણા, કુલીનભાઇ પલણ, મયુરભાઈ સિંધવ, બ્રહ્મ સમાજના અગ્રણીઓ, જૈન સમાજના અગ્રણીઓ સહિત વિવિધ નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  

Panchang

dd