• બુધવાર, 20 મે, 2026

હોર્મુઝ ખોલાવવા નાટોની લશ્કરી પગલાંની તૈયારી

નવી દિલ્હી, તા. 19 : પશ્ચિમ એશિયાનાં સંકટમાં એક એટલો મોટો વળાંક આવી રહ્યો છે જે હવે આ યુદ્ધને વિશ્વયુદ્ધમાં પલટાવી નાખવા સક્ષમ છે. નાટોએ કહ્યું છે કે, જો જુલાઈ સુધીમાં હોર્મુઝ જળમાર્ગ નહીં ખુલે તો પછી તે સૈન્ય તૈનાતી ઉપર વિચાર કરશે. નાટો જુલાઈ પહેલા જ આ ક્ષેત્રમાં તૈનાતી માટે તૈયારીમાં લાગી ગયું હોવાનું પણ જાણવા મળે છે.  બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ચેતવણી આપતાં કહ્યું હતું કે, અમારે ઇરાન પર વધુ એક હુમલો કરવો પડશે. હું એ મુદ્દે નિશ્ચિત નથી પણ તમને બહુ જલ્દી ખબર પડી જશે.અમેરિકા અને ઈરાનનાં યુદ્ધમાં હોર્મુઝની નાકાબંધીનાં કારણે દુનિયા ઊર્જા સંકટમાં મૂકાઈ ગઈ છે ત્યારે નાટોનાં મહાસચિવ માર્ક રુટે કહ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલાવવા માટે જે પ્રકારે અન્ય દેશો સુસ્તી બતાવી રહ્યાં છે તેનાથી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ છે. આ સપ્તાહમાં તેમણે ઘણીવાર ટ્રમ્પ સાથે વાત કરી હતી. ટ્રમ્પ ઈચ્છે છે કે, અમેરિકાનાં સહયોગી દેશો આ જળમાર્ગને સુરક્ષિત બનાવવા માટે સક્રિય ભૂમિકા નિભાવે. રુટે કહ્યું હતું કે, ટ્રમ્પનાં દબાણની અસર હવે વર્તાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ વૈશ્વિક સંકટનાં સમાધાન માટે વધુ જવાબદારી ઉઠાવવા માટે તૈયાર દેખાઈ રહ્યાં છે. આ સમગ્ર ઘટનાક્રમથી દુનિયાભરનાં રક્ષા મંત્રાલયોની નજર પણ આ મુદ્દા ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે. યુદ્ધનાં આ નવા વળાંકથી સંયુક્તરાષ્ટ્ર સહિત વૈશ્વિક શાંતિ સંગઠનોની ચિંતા પણ વધી ગઈ છે. જો હોર્મુઝનાં જળમાર્ગમાં નાટો અને ઈરાની સેનાનો આમનો-સામનો થાય તો તે માત્ર એક ક્ષેત્રીય ઘર્ષણનાં બદલે ત્રીજા વિશ્વયુદ્ધનાં શંખનાદ સમાન બની રહેશે. આમ હવે આવનારા દિવસો જ નક્કી કરશે કે મધ્યપૂર્વ શાંતિ બાજુ આગળ વધશે કે પછી બારુદનો ઢગલો બની જશે? ઈરાનનાં વિદેશ મંત્રાલયે નાટોના આ પગલાને ખુલ્લી ઉશ્કેરણી અને સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. બીજીબાજુ અમેરિકાનાં સૂત્રો આને સમયની માગ ગણાવી રહ્યાં છે.  

Panchang

dd