ભુજ, તા. 19 : મહત્તમ તાપમાનમાં દોઢથી બે
ડિગ્રીનો ઘટાડો થતાં કચ્છને આકરા તાપમાંથી થોડી રાહત મળી હતી. ભેજનાં ઊંચાં પ્રમાણના
લીધે ઉકળાટ યથાવત્ રહ્યો હતો. હવામાન વિભાગે મહત્તમ તાપમાનમાં હજુ બેથી ત્રણ ડિગ્રીનો
ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. સોમવારે 44 ડિગ્રી તાપમાને શેકાયેલા અંજાર-ગાંધીધામમાં પારો બે ડિગ્રી નીચે
ઊતરીને 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. મધ્યાહ્ન
કાળે ગરમીનો પ્રભાવ એકંદરે જળવાયેલો રહ્યો હતો. જિલ્લા મથક ભુજમાં પારો એક ડિગ્રી ગગડી
37 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો.
પવનની ગતિ મંદ પડવા સાથે ભેજની હાજરીના લીધે બફારાથી શહેરીજનોએ અકળામણ અનુભવી હતી.
નલિયામાં 35.2 અને કંડલા પોર્ટમાં 37.2 ડિગ્રી મહત્તમ સામે ચારેય
મથકોમાં લઘુતમ પારો 26થી 28 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.