કાંડાગરા, તા. 19 : કચ્છને નંદનવન બનાવવાનો સંકલ્પ
લેનાર ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર સુખનું સરનામું અભિયાન અંતર્ગત મુંદરા તાલુકાના કાંડાગરા
ગામને હરિયાળું બનાવવા માટે 2000 વૃક્ષનું
વાવેતર કરી સહિયારી ઝુંબેશ છેડવામાં આવી હતી. કાંડાગરા ખાતે યોજાયેલા વૃક્ષારોપણ અભિયાનના
કાર્યક્રમમાં ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર સુખનું સરનામું સાથે કચ્છ કાંડાગરા વીશા ઓસવાળ
જૈન મહાજન, કાંડાગરા ગ્રામ પંચાયત, દાતા પરિવારો સહયોગી બન્યા હતા. કાંડાગરા જૈન મહાજનવાડી
ખાતે આયોજિત કાર્યક્રમમાં ગામને હરિયાળું બનાવવા સાથે પર્યાવરણનાં સંરક્ષણ અને સંવર્ધનનો
સંકલ્પ લેવાયો હતો. - 2000 વૃક્ષનું વાવેતર : આ કાર્યક્રમ દરમિયાન બે હજાર વૃક્ષનું
વાવેતર રાજકીય-સામાજિક અગ્રણીઓ અને દાતા પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
હતું. વૃક્ષારોપણ કરવાની સાથે આ વૃક્ષોનો સંપૂર્ણ ઉછેર કરી તેની જાળવણી કરી ગામને હરિયાળું
બનાવવાના સંકલ્પમાં સહભાગિતા નોંધાવી હતી. - અગ્રણીઓની ઉપસ્થિતિ : કાર્યક્રમમાં કાંડાગરા વીશા ઓસવાળ જૈન મહાજનના પ્રમુખ કિશોરભાઈ
દેવરાજ ગાલા, સરપંચ દેવલબેન ડાહ્યાભાઈ ગઢવી, દાતા પરિવારના વિમળાબેન લાલજી ચનાભાઈ છેડા,
દુર્ગેશભાઈ લાલજી ચનાભાઈ છેડા, માયાબેન રમેશભાઈ
મગનલાલ દેઢિયા, કિરણગિરિ લધુગિરિ ગોસ્વામી, ધવલ ચેતન ગંગર, કાંડાગરા વીશા ઓસવાળ જૈન
મહાજનના ઉપપ્રમુખ મનોજ મૂરજી છેડા, ટ્રસ્ટી ધીરજભાઈ ગાલા, સદ્ભાવના વૃદ્ધાશ્રમ તરફથી
કિશનભાઈ ગંગર, ભુજપુરના જિ. પંચાયત સદસ્ય સુલતાનસિંહ જાડેજા, તા. પંચાયત સદસ્ય હમીરભાઈ
રબારી, ગામના ઉપસરપંચ હિતુભા જાડેજા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ધીરજ
છેડા `એકલવીર'એ સંભાળ્યું હતું. - બે દાતા
તરફથી મળ્યો 30 લાખનો સહયોગ : પર્યાવરણની રક્ષા એ જ પ્રભુસેવાના મંત્રને
સાર્થક કરતા દાતા પરિવારોએ કુદરતનાં જતન કાજેનાં આ નેક કાર્યમાં સહયોગ આપ્યો હતો. વૃક્ષારોપણ
અભિયાન માટે કાંડાગરાના માતા વિમળાબેન લાલજી ચનાભાઈ છેડા હ. જ્યોતિ દુર્ગેશ લાલજી છેડા
ટોપ ઈન ટાઉન પરિવાર તેમજ મૂળ ભુજપુરના હાલ અમેરિકા વસતા માયાબેન રમેશભાઈ મગનલાલ દેઢિયા
હસ્તે પુત્રી નિશાબેન અને સીમાબેન દેઢિયા દ્વારા 15-15 લાખની માતબર ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી. વૃક્ષારોપણનાં કાર્ય
માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ-રાજકોટનો પણ સહયોગ મળ્યો હતો. વૃક્ષારોપણની સાથે દાતા પરિવારો
દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. - કાંડાગરા ગામની પહેલ પ્રેરણારૂપ બનશે : ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર સુખનું સરનામું
વતી પોતાની લાગણી વ્યક્ત કરતાં ધીરજ છેડા `એકલવીર'એ કહ્યું હતું કે, ગ્લોબલ કચ્છ પરિવારના પ્રમુખ હાર્દિકભાઈ
મામણિયાની આગેવાનીમાં કચ્છને નંદનવન બનાવવાની ઝુંબેશ ઉપાડાઈ છે, ત્યારે કાંડાગરા ગામની
આ પહેલ કચ્છનાં અન્ય 952 ગામ માટે
પ્રેરણારૂપ બનશે. દાતા પરિવારોના સહયોગથી આ ભગીરથ કાર્યને પાર પાડવાની લાગણી દેખાડી
હતી. કાંડાગરા વીશા ઓસવાળ જૈન મહાજન અને કાંડાગરા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ પોતાના
પ્રતિભાવ આપ્યા હતા.