• બુધવાર, 20 મે, 2026

રતનાલ બાયપાસ કરાયો અઢી કલાક જામ : ગ્રામજનોનો જબ્બર આક્રોશ

રતનાલ, તા. 19 : વરસાણા ભુજ નેશનલ હાઈવે અંતર્ગત બનેલા રતનાલ બાયપાસ માર્ગ ઉપર  22 કલાકમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવ  અને ગામના આશાસ્પદ  યુવાનાં મોત બાદ  આજે રોષે ભરાયેલા રતનાલના ગ્રામજનો દ્વારા બાયપાસ રસ્તાને ચક્કાજામ કરીને હાઈવે ઓથોરિટી, કોન્ટ્રાક્ટર સહિતના સામે ભારોભાર વિરોધ વ્યક્ત કર્યો હતો.  લાંબા અરસા સુધી હાઈવે અવરોધાતા દોડી આવેલા  તંત્રોએ ચર્ચા કરી  માંગ મુજબ  કામ શરૂ કરાયા બાદ આંદોલન  પૂર્ણ કરાયું હતું. આ દરમ્યાન  ગ્રામજનોની પીડાને વ્યાપક જનસમર્થન મળ્યું હતું. - ગ્રામજનોનું શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન : મંગળવાર સવારે રતનાલ-ભુજ હાઇવે પર હનુમાન ટેકરી આગળ ગામના જાગૃત યુવાનો દ્વારા હાઇવેની બંને બાજુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા અને રોડ બ્લોક કરવામાં આવ્યા હતા.  આ વિરોધ કાર્યક્રમના પગલે  સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને રાજકીય અને સામાજિક આગેવાનો, ગ્રામજનો, યુવાનો, ખેડૂતો, માલધારી, રતનાલ બાયપાસને અસરકારક ગ્રામજનો સહિતના મોટી સંખ્યામાં લોકો દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેશનલ હાઇવે ઓથોરિટી અને ઠેકેદાર કંપની વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી અને સર્વે ગામના આગેવાનો દ્વારા એકસૂરમાં ત્રણ ચોકડી પર અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી લોકમાંગ કરી હતી. - હજારોની સંખ્યામાં જનસમર્થન  : હાઇવે બ્લોક થવાના મેસેજ વાયુવેગે ફેલાતાં 3000થી 3500ની સંખ્યામાં ગ્રામજનો અદ્ભુત જનસમર્થનમાં ઊમટી પડયા હતા અને રોડ વચ્ચે બેસીને શાંતિપૂર્વક નારેબાજી કરી હતી. સમગ્ર અઢી કલાક દરમિયાન ઉત્તેજનાજનક ઘટનાક્રમ બાદ તાત્કાલિક વહીવટી તંત્ર દોડતું થયું હતું. - ખેડોઈમાં ઓવરબ્રિજ, રતનાલમાં કેમ નહીં ? : નેશનલ હાઇવે ઓથોરિટીના સક્ષમ અધિકારી, પૂર્વ કચ્છ નાયબ પોલીસ અધિકારી (ડીવાય. એસ.પી), અંજાર મામલતદાર, નાયબ મામલતદાર, સંબંધિત વહીવટી અધિકારીઓ, સંબંધિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગામના બિનરાજકીય પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરી હતી. આ  દરમ્યાન ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ઉપસ્થિત વહીવટી અધિકારી સમક્ષ ભારે વેદના અને આકોષભર્યો તીવ્ર સવાલ કરાતાં કહેવાયું કે, ખેડોઇ ગામમાં ઉપરાઉપરી અકસ્માત બાદ  ગ્રામજનોના આક્રમક વિરોધ બાદ ઓવરબ્રિજ ઉચ્ચકક્ષાએ મંજૂરી મેળવી બનાવવામાં આવ્યો છે, ત્યારે રતનાલ ગામના સક્ષમ રાજકીય નેતૃત્વ બાદ પણ કેમ હજી વિવિધ સંગઠનો દ્વારા બે વર્ષથી રજૂઆત બાદ પણ કેમ હજી અંડરબ્રિજ બનાવવામાં આવ્યા નથી. - વહીવટી તંત્રની લેખિત ખાતરી : ભારે સમજાવટ અને વાતચીત બેઠકના દોર બાદ અધિકારીઓ દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવી કે, રતનાલ બાયપાસમાં તાત્કાલિક બેરિકેડ મૂકવામાં આવશે અને સ્પીડબ્રેકર અને ચોકડીના કટમાં ચોક્કસ જગ્યાઓ મૂકવામાં આવશે અને અધૂરા સર્વિસ રોડના કામ પૂરા કરવા, ગાંધીનગર ઉચ્ચકક્ષાએ ત્રણ ચોકડી પર અંડરબ્રિજની ભલામણ કરવાની ખાતરી આપી હતી. અગાઉ પણ ઓથોરિટી દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા તેવો સવાલ યુવાનોએ ઉપાડયો હતો અને તાત્કાલિક રોડમાં કામ શરૂ કરવામાં આવે ત્યારબાદ ચક્કાજામ દૂર કરવામાં આવશે તેવું કહ્યું હતું. ગામના યુવાનો દ્વારા ચોકડીઓ પર રૂબરૂ મુલાકાત લઈને કામ શરૂ થયાની ખાતરી મળ્યા બાદ ચક્કજામ દૂર કરવામાં આવ્યો હતો. - લડતમાં યુવાશક્તિનાં દર્શન : અઢી કલાક ચાલેલા રોડ બ્લોકને લાંબી ગડમથલ અંતે ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ચક્કજામમાં બસોમાં મુસાફરો, ખાનગી વાહનચાલકો, નોકરિયાતોએ પણ ગ્રામજનોની લાગણીઓ, વેદનાને  વાચા આપી હતી અને રોડ બ્લોકને સહકાર આપ્યો હતો. આ લડતમાં ગામની યુવાશક્તિ, યુવા નેતૃત્વ એકતાનાં દર્શન થયાં. ટ્રાફિકજામમાં યુવાનો દ્વારા 108 કે અન્ય આરોગ્યલક્ષી વાહનો માટે માર્ગ ખુલ્લો  રાખવામાં આવ્યો હતો. - યોગ્ય ડિઝાઈન વગર બનેલા રસ્તાથી અકસ્માતની વણઝાર : રતનાલ, તા. 19 :  હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટ કંપનીની બેદરકારી થકી અણઘડ અને યોગ્ય ડિઝાઇન વગરના રતનાલ બાયપાસ રસ્તાના નિર્માણના પગલે અવારનવાર અકસ્માતમાં કેટલાય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ગામના આશાસ્પદ યુવાન વિવેક છાંગાનાં મોત બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો હતો. સોશિયલ મીડિયામાં ચક્કજામના મેસેજ વાઇરલ થયા હતા. - એકસૂરે માંગ ત્રણ બાયપાસ ચોકડી ઉપર અંડરબ્રિજ બનાવો  : રતનાલ, તા. 19 :   બિનરાજકીય પ્રતિનિધિ મંડળ દ્વારા ત્રણ બાયપાસ ચોકડીઓ પર અંડરબ્રિજની મક્કમતાપૂર્વક એકસૂરમાં માંગ કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે કાયમી વ્યવસ્થિત બેરિકેડ મૂકવામાં આવે, અધૂરા સર્વિસ રોડનાં કામ પૂરાં કરાય, બાયપાસમાં અકસ્માત ઝોનના બોર્ડ મૂકવામાં આવે, હળવાં સ્પીડબ્રેકર બનાવવામાં આવે, રોડ પસાર થવામાં જે સંકુચિત જગ્યાઓ રાખવામાં આવી છે તેને પહોળી કરવામાં આવે અને જે ચોકડીઓ પર કટ મૂકવામાં આવ્યા છે તેને પહોળા કરવામાં આવે, બિનજરૂરી કટ દૂર કરવા સહિતની માંગ ભારપૂર્વકની કરી હતી.   

Panchang

dd