બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 19 : પાવરપટ્ટીને તાલુકા મથક સાથે
સાકળતા રસ્તા વચ્ચે આવતી ભુરુડ નદીમાં કરોડોના ખર્ચે નિર્માણ થતાં પુલનાં કામ ગોકળગતિએ
ચાલતાં ચોમાસાં પૂર્વ કોઈ સંજોગોમાં પૂરું થાય તેવી શક્યતા નથી, જેને લઈ નદીપટ્ટમાં
કરવામાં આવેલા ઊંડા ખાડા અને તેમાંથી નીકળેલ રેતી અને માટીના ગંજ નદી વહેણ વચ્ચે જ
ખડકી દેવાતાં ચોમાસાંમાં નદી પુરના અવરોધે હરિપુરા અને નિરોણા ગામને ભારે નુકસાની થઈ
શકે છે. જેને લઈ કામગીરીમાં ઝડપ લાવી અવરોધને દૂર કરવાની માંગ ઊઠી છે. પાવરપટ્ટીના
ગામોને તાલુકા મથક સાથે જોડતા રસ્તા વચ્ચે નિરોણા નજીકની ભુરુડ નદી ચોમાસાંમાં ભારે
પરેશાની રૂપ બને છે. અતિવૃષ્ટિ બાદ નિરોણા ડેમના ઓગનના પાણી આ નદી વાટે વહી રણમાં સમાય
છે. નદીમાં પુર આવ્યા પછી અનેક દિવસો સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહેતાં બંધ સદંતર ઠપ
બને છે, જેને લઈ તાલુકા મથક સાથે સંપર્ક તૂટે છે. સાથે બિબ્બર, અમરગઢ, ખારડિયા, વંગ,
ડાડોર, ગોંધિયાર, ચંદ્રનગર સહિતના ગામોનો નિરોણા સાથે સંપર્ક તૂટી જતાં આ ગામોના લોકોના
વેપાર, આરોગ્ય અને વાહન વ્યવહાર પર મોટી અસર ઊભી થાય છે. આ વિસ્તારની લાંબી રજૂઆત બાદ
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્ય સરકાર પાસે આ બાબતે રજૂઆત કરી પુલ નિર્માણ અંગે
દરખાસ્ત કરાઈ હતી. જેને પગલે સરકારે આ નદી પર 11 કરોડના ખર્ચે 180 મીટર લાંબો પુલ બનાવવાની મંજૂરી આપી હતી. જેને લઈ ગત ઓક્ટોબરમાં
તેનું ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે કરી કામગીરી શરૂ કરાઈ હતી. છેલ્લા છ માસથી ભારે ધીમી
ગતિએ ચાલતા આ પુલિયાની કામગીરી અડધી પણ પૂરી થઈ નથી. નદીપટ્ટમાં પુલ માટે 22 જેટલા પીલર પૈકી 10 પીલરનું કામ પૂરું થયું છે,
જ્યારે 12 જેટલા પીલર પાયામાં જ અટવાયેલા
પડયા છે. નદી પટ્ટમાં ઊભા થનાર પીલર માટે થયેલ ભારે ઊંડા ખોદકામને લઈ તેમાંથી નીકળેલ
રેતી અને માટીના મોટા ગંજ નદીપટ્ટમાં ઠાલવી મોટી આડશ ઊભી કરી દેવાઈ છે. ચોમાસાંની મોસમ
માથે ઊભી છે. વહેલા વરસાદની આગાહીઓ પણ થઈ રહી છે. આ વચ્ચે નિરોણા ડેમના ઉપરવાસમાં જો
8થી 10 ઈંચ વરસાદ એકીસાથે પડે અને ડેમ ઓગને, તો એ ડેમના ઓગનના પાણી
ભુરુડ નદી વાટે વહીં નિર્માણ પામતા પુલિયા પાસેના મોટી ઊભી કરાયેલ આડશ અડચણ કરી શકે
છે. જેને લઈ નદીના પાણી કિનારા નજીકના હરિપુરા અને નિરોણા ગામના પશ્ચિમ બાજુના રહેણાક
વિસ્તારને ઘેરી મોટી નુકસાની નોતરી શકે છે. જેને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલની
કામગીરી વહેલામાં વહેલી તકે પૂરી થાય અને નદીપટ્ટમાં પાણીના વહેણ વચ્ચે ભારેખમ અડચણ
દૂર કરવા માંગ ઊઠી છે. - પુલિયા બાંધકામમાં બેદરકારીની પણ ફરિયાદો ઊઠી છે : નિરોણા
: કરોડોના ખર્ચે નિર્માણ પામતા આ પુલનું બાંધકામ નબળી અને હલકી ગુણવત્તાવાળી સામગ્રીને
લઈ અગાઉ અનેક વખત વિસ્તારના અગ્રણીઓ અને કામ કરતી એજન્સી વચ્ચે બબાલ થઈ ચૂકી છે. પીલરના
પાયાનાં બાંધકામમાં સિમેન્ટ, કાંકરીને બદલે પથ્થરોનો મોટો ઉપયોગ થયો હોવાના ગંભીર આક્ષેપ
થઈ રહ્યા છે, તો વળી સરકારના નીતિ-નિયમો મુજબ પુલિયા કે રસ્તાના જ્યાં-જ્યાં બાંધકામો
થાય તે સાઈટ પર એ બાંધકામની વિગતો તથા સ્પેસિફિકેશન અંગેના માહિતી બોર્ડ લગાડવાનું
ફરજિયાત છે, પરંતુ અહીં કામગીરીને છ માસ જેટલો સમય થયો હોવા છતાં બાંધકામની માહિતીનાં
કોઈ બોર્ડ પણ નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે.