ભુજ, તા. 19 : છેલ્લા કેટલાક દિવસોથી ટોક
ઓફ ધ ટાઉન બનેલા ભુજ સુધરાઈના પદાધિકારીઓનાં નામો પરથી આજે પડદો ઊઠયો હતો અને જો મહાનગરપાલિકા
જાહેર ન થાય, તો આગામી અઢી વર્ષ માટે ભુજ નગરપાલિકાના પ્રમુખ પદે શીતલભાઈ શાહનાં નામની
જાહેરાત કરાઈ હતી. સાથોસાથ ઉ.પ્ર. પદે બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન પદે કમલભાઈ
ગઢવી, શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશભાઈ ગોર તેમજ દંડક પદે રૂપલબેન ચાવડાનાં નામો જાહેર
કરાયાં હતાં. તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ ભુજની સમસ્યા ઉકેલવાના સતત પ્રયાસો સાથે શહેરમાં
નવાં સ્થળોને વિકસાવવાની ખાતરી ઉચ્ચારી હતી. આજે સવારે ભુજ સ્થિત ભાજપ કાર્યાલય `કમલમ' ખાતે કચ્છના પાંચ નગરપાલિકાના હોદ્દેદારોનાં
નામો જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં એક બાદ એક નગરપાલિકાઓના પદાધિકારીઓ
જાહેર કરતાં ઉપસ્થિતોએ વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. ભુજ સુધરાઈના હોદ્દેદારોની જાહેરાત
બાદ તમામ નવનિયુક્તો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં પ્રાંત અધિકારી અનિલ જાદવ
તેમજ મુખ્ય અધિકારી ટ્વિંકલ પટેલની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખ
સહિતના પદો માટે અન્ય કોઈ ઉમેદવાર દાવેદારી કરવા ઈચ્છુક હોય, તો તેમણે ફોર્મ ભરવા આહ્વાન
કરાયું હતું, પરંતુ કોઈએ ઈચ્છા ન દર્શાવતાં અંતે ઉપરોક્ત નામોની સત્તાવાર જાહેરાત કરાઈ
હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001થી 2005 સુધી ભુજ
સુધરાઈના પ્રમુખ તરીકે હંસાબેન તારાચંદભાઈ છેડા રહ્યાં હતાં ત્યારપછી 20 વર્ષ બાદ ફરી જૈન સમાજને
પ્રમુખપદે સ્થાન મળ્યું છે. અહીં એ પણ નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં
એક માત્ર 11મો વોર્ડ બિનહરીફ થયો હતો અને તેમાંથી
ત્રણ નગરસેવક કમલ ગઢવી, ધર્મેશ ગોર અને બિંદિયાબેન ઠક્કરને, જ્યારે નવમાં વોર્ડમાંથી
શીતલ શાહ અને રૂપલબેન ચાવડાને પદભાર સોંપાયો છે. નામો જાહેર થતાં જ નવનિયુક્ત હેદ્દેદારોને
શુભેચ્છા પાઠવવા રાજકીય-સામાજિક અગ્રણીઓ, પરિજનો ઊમટી પડયા હતા. થોડા દિવસોમાં નગરપાલિકાની
અન્ય શાખાઓના ચેરમેનની જાહેરાત કરાશે. - પાણી, ગટર, સફાઈ સમસ્યા ઉકેલને પ્રાથમિકતા : આગામી સમયમાં ભુજ શહેરના વિકાસમાં કેવું
વિઝન હશે તે અંગે સુધરાઇના પ્રમુખનો પદભાર સંભાળનારા શીતલભાઇ શાહનો સંપર્ક સાધતાં તેમણે
જણાવ્યું કે, સૌપ્રથમ તો શહેરીજનોને માળખાંગત સુવિધામાં આવતી અડચણો દૂર કરવા પ્રયત્નો
હાથ ધરાશે, જેમાં ખાસ કરીને પાણી વિતરણની ખોરવાતી વ્યવસ્થા સુધારવી, ગટર સમસ્યા ઉકેલવા
પગલાં ભરાશે. સાથોસાથ શહેરના રાજેન્દ્રબાગમાં સુધારા સાથે આ બાગને ભુજની શાનસમો બનાવવા
પણ પ્રયત્નો કરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, પાણી તથા ટ્રાફિક સમસ્યા ઉકેલવા ધારાસભ્ય
કેશુભાઇ પટેલે બીડું ઝડપ્યું છે, જેમાં લેર ડેમ અને મુખ્યમાર્ગો પહોળા કરવાની કામગીરી
આગળ ધપી રહી છે, જેને સૌ હોદ્દેદારો-નગરસેવકો સાથે મળી વધુ વેગવાન બનાવશે તેવું ઉમેર્યું
હતું.