ગાંધીધામ, તા. 6 : અંજાર
તાલુકાના નાની ખેડોઇ ગામે મેઘવંશી મારૂ (મારવાડા) સમાજના બોખાણી પરિવાર દ્વારા
રામદેવપીરની ઐતિહાસિક પાટકોરીનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં
સંતો, ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નાની ખેડોઇ ખાતે દર વર્ષની
જેમ આ વર્ષે પણ ચૈત્રી પૂનમના રામદેવપીરની પાટકોરીનું આયોજન કરાયું હતું. જે
નિમિત્તે સંતો, ભક્તોનું સામૈયું તબલા, મંજીરા અને પારંપરિક ભજનો સાથે જલારામ મંદિરે પહોંચ્યું હતું. જ્યાં ભુજ,
અંજાર, ગાંધીધામ, ભચાઉ,
લખપત, અબડાસા, નખત્રાણા,
મુંદરા તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા ભક્તસોનું સ્વાગત, સન્માન કરવામાં આવ્યું હતું. અહીંથી સામૈયું પરત નિજ મંદિરમાં પહોંચ્યું
હતું. સામૈયા બાદ રામદેવપીરની મહાઆરતી યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત મહિલાઓએ પાટના
દર્શન કરી વધાવ્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ દાદા રામદેવપીરના
દર્શન કર્યા હતા. આ વેળાએ કચ્છ કોંગ્રેસના પ્રમુખ વી. કે. હુંબલ અને મહામંત્રી
અરજણભાઇ ખાટરિયા ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો અને ઐતિહાસિક પાટકોરી જાળવવા
બદલ અભિનંદન પાઠવ્યા હતા. મહાઆરતી બાદ સમૂહ પ્રસાદ અને રાત્રે અરાધીવાણી યોજાઇ હતી
જેમાં સંતો, મહંતોએ સૂરજ સાખી આરાધીવાણીનું ભક્તોને રસપાન
કરાવ્યું હોવાનું મંદિરના પૂજારી રામજીભાઇ બોખાણીએ જણાવ્યું હતું.