ભુજ, તા. 6 : `શતરંજના
ખેલ'નાં
પ્રકાશનથી હંસરાજભાઇની એક નવી ઓળખ ઊભી થઇ છે. એમનું વૈવિધ્યસભર સાહિત્ય એમને
સાહિત્યસર્જનની સાથે એક પત્રકારની પણ ઓળખાણ આપે છે. આજે ભુજ ખાતે લાયન્સ હોલમાં
ભારત સરકારના આરોગ્ય વિભાગના નિવૃત્ત અધિકારી અને કચ્છી સર્જક હંસરાજભાઇ ઠાકરશી
કંસારાનાં ત્રીજાં પુસ્તક `શતરંજના ખેલ'નું વિમોચન કરતાં વિવિધ
વક્તાઓએ એમનાં સર્જનને આવકારતાં આ પ્રમાણે સૂર વ્યક્ત કર્યા હતા. હંસરાજભાઇનાં
બીજાં પુસ્તક `શતરંજના ખેલ'માં 13 વાર્તા
ઉપરાંત ગુજરાતી-હિન્દી કવિતા પ્રકાશિત કરવામાં આવી છે. તેને આવકાર આપતાં સમારંભના
અધ્યક્ષ વરિષ્ઠ પત્રકાર અને કચ્છમિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઇ ખત્રીએ હંસરાજભાઇ
સાથેના પોતાનાં સંસ્મરણો વાગોળતાં એમના સર્જનમાં એક કુશળ પત્રકાર અને સમર્થ
સાહિત્યસર્જક ડોકાય છે એનો આનંદ વ્યક્ત કરતાં કચ્છના વિકાસ માટે સતત ચિંતા
દર્શાવતા એમના લેખોના સંગ્રહનાં પ્રકાશન માટે ભલામણ કરી હતી. કચ્છમિત્રના તંત્રી
દીપકભાઇ માંકડે કચ્છમિત્ર દ્વારા પ્રકાશિત દામજીભાઇ એન્કરવાલાના નર્મદા અંગેનાં
પુસ્તકનાં સંપાદન કાર્યમાં હંસરાજભાઇના યોગદાનને યાદ કરતાં એક બળૂકા સર્જકના નવાં
સર્જનને સમાજ સમક્ષ રજૂ કરવાના એક ઉમદા કાર્યને આવકાર આપતાં એમને સાહિત્યિક પત્રકાર
તરીકે ઓળખાવ્યા હતા. કચ્છના જાણીતા સર્જક ડો. દર્શનાબેન ધોળકિયાએ પોતાના
પ્રસંગોચિત વક્તવ્યમાં હંસરાજભાઇના પરિવાર દ્વારા આયોજિત આ સમારોહ સર્જકત્વ અને
પિતૃભક્તિના સમન્વય સમાન બની રહ્યો હોવાનું જણાવી પરિવારની માતૃપિતૃ ભક્તિ બિરદાવી
હંસરાજભાઈ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. સમારોહના અતિથિવિશેષ અને જાણીતા
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને હંસરાજભાઈના બાળસખા ઈશ્વરભાઈ દેસાઈએ હંસરાજભાઈની
જીવનયાત્રાના પોતે સાક્ષી રહ્યાનો આનંદ વ્યક્ત કરતાં સર્જનયાત્રાને બિરદાવી પરિવાર
સાથે ત્રણ પેઢીનાં સ્મરણને યાદ કર્યા હતા. આ અવસરે અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહેલા
કચ્છી સમાજ અમદાવાદના અધ્યક્ષ અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈલાસદાન ગઢવી, ઘનશ્યામભાઈ ઠક્કર,
શહેરના અગ્રણી ધારાશાત્રી શંકરભાઈ સચદે, સર્જકો
મદનકુમાર અંજારિયા, ડો. કાંતિભાઈ ગોર, જયંતીભાઈ
જોશી `શબાબ',
અગ્રણી મનોજભાઈ સોલંકી, અરુણભાઈ કંસારા,
ફોકિયાના નિમિષ ફળકે વગેરેએ પોતાના હંસરાજભાઈ સાથેના સંબંધોને યાદ
કરતાં વિચારો વ્યક્ત કર્યા હતા. આ અગાઉ હંસરાજભાઈના પુત્ર, પુસ્તકના
સંપાદક, કચ્છમિત્રના પૂર્વ વ્યવસ્થાપક અને કચ્છી સમાજ
અમદાવાદના ટ્રસ્ટી શૈલેષભાઈ કંસારાએ આવકાર પ્રવચન કરતાં હંસરાજભાઈની સમગ્ર સર્જનયાત્રાને
વર્ણવી હતી અને આગામી સમયમાં એક નવું પુસ્તક પ્રકાશિત કરવાની પણ જાહેરાત કરી હતી.
હંસરાજભાઇ કંસારાના પરિવારજનો પરેશભાઈ કંસારા, હર્ષાબેન,
નિકિત કંસારા - ઉમાબેન, મનીષભાઈ-હિનાબેન
કંસારા, મધુબેન કંસારા, ખ્યાતિબેન,
દીપ્તિબેન પરમાર, હનીભાઈ કંસારા - સોનલબેન
વગેરે મંચસ્થ મહાનુભાવોના સ્વાગતમાં જોડાયા હતા. આ પ્રસંગે હંસરાજભાઈનાં પ્રથમ
પુસ્તક કોરી આંખનું કલ્પાંત સાથે જોડાયેલા ગીતાબેન મહેતાનું પરિવાર દ્વારા અભિવાદન
કરાયું હતું. સમારોહ દરમ્યાન તેમના જીવનને દર્શાવતી પાંચ મિનિટની તસવીર ગાથા પણ
દર્શાવવામાં આવી હતી. શતરંજના ખેલ પુસ્તકના સર્જકનો પરિચય તથા સમારંભનું સંચાલન
સંશોધક - લેખક સંજય ઠાકરે કર્યું હતું. આભારવિધિ નિકિત કંસારાએ કરી હતી. આ અવસરે
ગોરધન પટેલ `કવિ',
શાંતિલાલ સોની, ઝવેરીલાલ સોનેજી, ગૌતમ જોશી, રમણીક સોમેશ્વર, પબુ
ગઢવી, શાંતિલાલ સોની, લાયન્સ ક્લબના
ભરત મહેતા, અભય શાહ, સંજય ઠક્કર,
વસંત અજાણી, દત્તુ ત્રિવેદી, રસનિધિ અંતાણી, ડો. રાજેશ જેસવાણી, મધુકરભાઈ ઠક્કર, ડો. કશ્યપ બૂચ, કચ્છમિત્રના વ્યવસ્થાક મુકેશભાઈ ધોળકિયા, કચ્છમિત્રના
પત્રકારો, સ્ટાફ અને હંસરાજભાઈના પરિવારજનો અને અગ્રણી
નગરજનો હાજર રહ્યા હતા. આ સમારોહ `પવિત્રા લાઈવ' યુ-ટયુબ ચેનલ પર નિહાળી
શકાશે એવી જાહેરાત કરાઈ હતી.