ભુજ, તા. 6 : પ્રવાસીઓ
અને પંખીઓના પ્રિય બનેલા રોડ ટુ હેવન માર્ગે છેલબટાઉ યુવાઓ દ્વારા ભારે ગતિ સાથે
દ્વિચક્રી હંકારી પ્રવાસીઓના જીવ અદ્ધર કરવા સાથે પંખીઓને ખલેલ પહોંચાડાતી હોવાની
લોકફરિયાદ ઊઠી છે. વિશ્વમાં પ્રચલિત બનેલા અને જ્યાં વિવિધ રંગો સાથે આખેઆખી કુદરત
ઊતરી હોય તેવા રોડ ટુ હેવન માર્ગે બન્ને તરફ પાણી હોવાથી હજારોની સંખ્યામાં સુરખાબ
ઊતરી પડયાં છે. સુસવાટા મારતા પવનોને ચીરતો આ પંખીઓનો કલરવ મનને શાંતિ અર્પતો
હોવાથી આ કુદરતી નજારો નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક, દેશ-વિદેશથી પ્રવાસીઓ
ઊમટી રહ્યા છે. લોકો દ્વારા પ્રકૃતિના રંગોને માણવા સાથે તેની કાયમી યાદ કેમેરા,
મોબાઈલમાં કેદ કરી રહ્યા છે. પણ, આ અભૂતપૂર્વ
આનંદમાં છેલબટાઉ યુવાનો ભારે ગતિ અને અવાજ સાથે દ્વિચક્રી વાહન હંકારી ખલેલ
પહોંચાડી રહ્યા હોવાની લોકફરિયાદ ઊઠી છે ખાસ કરીને રવિવાર અને રજાના દિવસોમાં અહીં
મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે કુદરત માણવા ઊમટતા હોય છે ત્યારે માર્ગ પર
વારંવાર ગતિભેર દ્વિચક્રી સાથે આંટાફેરા કરતા છેલબટાઉ યુવાનો લોકોમાં ભયનો માહોલ
ખડો કરી રહ્યા છે. ભારે ગતિથી વાહનો હંકારતાં તેના અવાજથી સુરખાબના ઝુંડ પણ દૂર
ચાલ્યા જાય છે અથવા ઊડી જાય છે. વિશ્વકક્ષાએ જ્યારે આ સ્થળની નોંધ લેવાઈ હોય
ત્યારે આ માર્ગે પોલીસ પેટ્રોલિંગ સતત થાય તો આવા તત્ત્વો પર રોક આવે અને લોકો પણ
પરિવાર સાથે નિર્ભય બની કુદરતને માણી શકે તેવી લોકલાગણી ફેલાઈ છે.