નવી દિલ્હી, તા. 6 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપના સ્થાપના દિવસ પર પક્ષના કાર્યકરોનાં સમર્પણ અને
બલિદાનને નમન કર્યાં હતાં. મોદીએ મહત્ત્વના એલાનમાં કહ્યું હતું કે, ટ્રિપલ તલાક, સીએએ, રામમંદિર જેવાં કામો બાદ સમાન નાગરિક સંહિતા,
એક દેશ-એક ચૂંટણી અમારું આગામી મિશન છે. વડાપ્રધાને કહ્યું હતું કે,
ભાજપના કાર્યકરોએ કટોકટી કાળ, કોંગ્રેસના
શાસનકાળના દમનથી માંડીને બંગાળ જેવાં રાજ્યોમાં રાજનીતિક હિંસા સુધી દરેક પ્રકારના
પડકારોનો સામનો કર્યો છે. વીડિયોકોન્ફરંસિંગ મારફતે પક્ષના કાર્યકરોને સંબોધતાં
મોદી બોલ્યા હતા કે, ભાજપ દરેક પડકારનો પ્રામાણિકતાથી સામનો
કરે છે, તે દેશ જાણે છે. અંગ્રેજરાજના સેંકડો કાળા કાયદાનો
અંત, ગરીબો માટે 10 ટકા અનામત, ટ્રિપલ તલાક પર કાનૂની
રોક, રામમંદિર જેવાં ઘણાં કામો ભાજપના પ્રામાણિક પ્રયાસોનાં પરિણામ
છે. સમાન નાગરિક સંહિતા (યુસીસી) તેમજ એક દેશ - એક ચૂંટણી ભાજપના એજન્ડામાં છે,
તેવું મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું. ભાજપના કાર્યકરોને દૃઢ વિશ્વાસ
છે કે, જે મહેનત તેઓ કરે છે, તેનાથી
ભારતનું ભવિષ્ય બહેતર બનશે. 1984માં કોંગ્રેસે વિક્રમી વિજય
મેળવ્યા પછી જનતાને દગો દીધો. લોકોનો ભરોસો ભાજપ પર વધ્યો, પછી ધીમેધીમે ભાજપે જંગી
જીત મેળવવાનું શરૂ કર્યું, તેવું વડાપ્રધાને કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, દેશ જાણે છે કે દરેક પડકારનો સામનો
ભાજપ ઈમાનદારીથી કરે છે અને આગળ પણ કરશે. પહેલા પણ સકારાત્મક પરિણામ મળ્યાં છે અને
આગળ પણ મળશે. અંગ્રેજોના સમયના કાયદાઓનો અંત, ટ્રિપલ તલાક
ઉપર રોક, સીએએ, અયોધ્યામાં રામ
મંદિરનું નિમાર્ણ સહિતના અનેક કામ ભાજપના ઈમાનદાર પ્રયાસોનું પરિણામ છે. આ મિશન
હજી પણ ચાલુ છે. યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શન જેવા તમામ વિષય ઉપર
દેશમાં ગંભીર ચર્ચા થઈ રહી છે. વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કરતા પીએમ મોદીએ
કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા જનતા સંબંધિત મુદ્દાને
ઉઠાવવામાં ક્યારેય પાછળ હટતા નથી. તેઓને દ્રઢ વિશ્વાસ હતો કે જે આકરી મહેનત કરી
રહ્યા છે તેનાથી ભારતનું ભવિષ્ય વધારે સારું બનશે. આ જ કારણે કાર્યકર્તાઓએ દરેક
મુશ્કેલીનો સામનો કર્યો છે. ઘણા કાર્યકરોએ તો પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે.
રાજનીતિક સંઘર્ષના શરૂઆતી દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, 1984નો
સમય ક્યારેય ભૂલી શકાય નહીં જ્યારે કોંગ્રેસે રેકોર્ડ સીટ જીતી હતી અને પછી જનતા
સાથે દગો કર્યો હતો. બાદમાં લોકોનો વિશ્વાસ ભાજપ ઉપર ધીરે ધીરે વધ્યો હતો.