તેહરાન, તા. 6 : `માણસાઈના
દુશ્મન' સમાન
યુદ્ધની આગ બેકાબૂ બની છે. ઈરાને અમેરિકાના નવા યુદ્ધવિરામ પ્રસ્તાવને ઠુકરાવી
દેતાં સ્પષ્ટ કહી દીધું હતું કે, અમે અસ્થાયી યુદ્ધવિરામ
નહીં, પરંતુ યુદ્ધનો સંપૂર્ણ અંત ઈચ્છીએ છીએ. ઈરાનના એક
વરિષ્ઠ અધિકારી મોજતબા ફર્દીસી પૌરે જણાવ્યું હતું કે, હવે
કદી પણ હુમલો નહીં કરાય તેવો પાકો ભરોસો મળશે ત્યારે જ અમે યુદ્ધ ખતમ કરવા તૈયાર
થશું. બીજી તરફ ઈઝરાયલે સોમવારે ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર મિસાઈથી હુમલો
કર્યો હતો. ઈરાન અને કતાર વચ્ચે ફેલાયેલું સાઉથ પાર્સ દુનિયાનું સૌથી મોટું ગેસ
ફિલ્ડ છે. દરમ્યાન, ઈરાને અમેરિકા પર તેના પાઈલટને બચાવવાના
અભિયાનનાં બહાને અમેરિકા તેનું યુરેનિયમ ચોરતું હોવાની શંકા દર્શાવી હતી. આખી
દુનિયાનો જીવ ઉચક થયેલો છે ત્યારે ફરી એકવાર ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે,
કામચલાઉ યુદ્ધવિરામના બદલામાં તે હોર્મુઝ ખોલવા તૈયાર નથી. ઈરાન અને
અમેરિકા વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસ કરતા પાકિસ્તાન તરફથી આપવામાં આવેલા શાંતિ
પ્રસ્તાવને ઈરાને નકારી કાઢ્યો છે. જેના હિસાબે યુદ્ધ વધુ ભડકે તેવી પૂરી સંભાવના
છે. દરમિયાન વધુ એક મોટા ઝટકામાં ઈરાની સેના આઈઆરજીસીનાં ગુપ્તચર સંગઠનના પ્રમુખ
માજિદ ખાદેમીનું પણ અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં મૃત્યુ નીપજ્યું છે. ઈરાને આજે
શાંતિ પ્રસ્તાવ ઠુકરાવતાં કહ્યું હતું કે, અમેરિકા અને
ઈઝરાયલ તરફથી થઈ રહેલા મોટા હુમલાઓ વચ્ચે તે અમેરિકા સાથે વાટાઘાટમાં સીધું જોડાવા
માગતું નથી. આજે અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાઓમાં ઈરાનમાં છ બાળક સહિત કુલ 34 લોકોનાં
મૃત્યુ થયાં હતાં. ઈરાને કહ્યું છે કે,
અલ્ટિમેટમ સામે કોઈ પણ હિસાબે ઝૂકવામાં નહીં આવે અને જો અમેરિકા,
ઈઝરાયલ તરફથી ઈરાનનાં વીજમથકો અને પુલોને નિશાન બનાવવામાં આવશે તો
ઈરાન પણ એવા જ ખતરનાક જવાબી હુમલા કરશે. દરમિયાન ઈઝરાયલમાં આજે હાઈફામાં ઈરાને
મિસાઈલનો મારો કર્યો હતો અને આમાં 4 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આવી જ
રીતે ઈરાને ખાડી દેશોમાં પણ પ્રહાર ચાલુ રાખ્યા છે. જેમાં કુવૈતમાં પાણીનાં
પ્લાન્ટ અને ઓઈલ મથકોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. બહેરીનમાં પણ ઓઈલ મથક ઉપર
ઈરાને હુમલો કર્યો હતો. પાકિસ્તાન તરફથી જે શાંતિ પ્રસ્તાવ અમેરિકા અને ઈરાનને
આપવામાં આવ્યો હતો તેમાં 4પ દિવસના યુદ્ધવિરામ અને હોર્મુઝ
ખોલવાનો પ્રસ્તાવ હતો. આ પ્રસ્તાવ પાકે તુર્કી અને ઈજિપ્ત સાથે મળીને તૈયાર કર્યો
હતો. આ પ્રસ્તાવ અનુસાર 4પ દિવસના યુદ્ધવિરામથી બન્ને
પક્ષને યુદ્ધ સમાપ્ત કરવા માટે વ્યાપક વાટાઘાટનો સમય મળી રહેશે અને તેનાથી હંગામી
યુદ્ધવિરામ પણ શક્ય બનશે.