• રવિવાર, 05 એપ્રિલ, 2026

લોકશાહીનું સ્થાન નાણાશાહીએ લીધું છે

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ઈરાનની લડાઈ હજુ કેટલો વખત ચાલશે તે નક્કી નથી, પણ આ લડાઈની અસર અર્થતંત્ર અને રાજતંત્ર ઉપર લાંબા સમય સુધી રહેશે તે નક્કી છે ! તેલ - ગેસની અછત અને કટોકટી શરૂ થઈ છે, પણ લોકોનાં બજેટ અને જનજીવન ઉપર તેની ગંભીર અસર પડે નહીં, હાલાકી શક્ય તેટલી ઓછી થાય તેવા પ્રયાસ વડાપ્રધાન કરી રહ્યા છે. આ સંજોગોમાં આપણાં ચાર રાજ્ય - તામિલનાડુ, કેરલમ્, આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાઓની ચૂંટણી નવમી એપ્રિલથી 29મી એપ્રિલ દરમિયાન છે, તેના ઉપર કેવી અસર પડશે તે જોવાનું છે. તેલની કટોકટી ઉપરાંત મતદારયાદીઓની ફેરતપાસ - ચકાસણી કરવામાં આવી તે સામે રાજકીય પક્ષોનો તીવ્ર વિરોધ રહ્યો છે. હવે તેની અસર કેવી પડશે તે જોવાનું છે. ઘૂસણખોરોની હકાલપટ્ટી સામે પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી જંગે ચડયાં છે. ચૂંટણી દરમિયાન રાજકીય હિંસાખોરી બંગાળનો ઇતિહાસ છે તેની સામે સાવધાની રાખવા ચૂંટણીપંચે મતદાન બે તબક્કે કરવાની જાહેરાત કરી છે - અત્યાર સુધી બંગાળમાં મતદાન છથી આઠ તબક્કામાં થયું છે. આ વખતે ચૂંટણી કમિશનરે તટસ્થ - કોઈપણ પ્રકારના ભેદભાવ અને રાજકીય દૃષ્ટિ, વગ હોય નહીં, દબાણને વશ થાય નહીં તેવા અધિકારીઓની નિમણૂક કરી છે : સંવિધાન, ચૂંટણીપંચ તથા શાસનતંત્ર સામે શંકા ઉઠાવીને મતદારો, જનતાની ઉશ્કેરણી કરનારા નેતાઓની `કલાગીરી'ની હવે કસોટી થશે. ચાર રાજ્ય અને કેન્દ્રશાસિત પુડ્ડુચેરીની ચૂંટણીનાં પરિણામ દૂરગામી હશે. ભાજપના એનડીએ મોરચા સામે કોંગ્રેસના ઇન્ડિ મોરચાની કપરી કસોટી છે. કોંગ્રેસ આસામમાં હવે સત્તા મેળવી શકશે ? અને ભાજપ બંગાળમાં મમતા બેનરજીને પદભ્રષ્ટ કરીને સત્તા મેળવશે ? કેરલમ્ અને તામિલનાડુમાં સત્તા મેળવે નહીં, પણ વધુ બેઠકો મળશે ? 2024ની લોકસભા ચૂંટણીમાં ઇન્ડિ મોરચાના ઘટક પક્ષોએ ભાજપને સારી લડત આપી હતી, પણ હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં એનડીએની સરસાઈથી દિલ્હીમાં સત્તા મળી. હવે દક્ષિણનાં બે રાજ્ય ઉપરાંત આસામ અને પ. બંગાળમાં કસાકસી છે. આ ચાર રાજ્યમાંથી ત્રણમાં શાસકપક્ષ - પક્ષોનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન થશે ? આસામ અને કેરલમ્માં દસ વર્ષથી પરિવર્તન થયું નથી, જ્યારે બંગાળમાં મમતાજીએ પંદર વર્ષ શાસન કર્યું છે, સત્તા ભોગવી છે અને હવે ભાજપનો પડકાર ગંભીર છે. નકલી મતદારોને મતાધિકાર નથી, તેલ – ગેસની કટોકટીનો રાજકીય લાભ ઉઠાવવાના પ્રચાર - પ્રયાસ થાય છે. છેલ્લા દાવ તરીકે એમણે નાણાંની લહાણી શરૂ કરી છે. પંડિતો અને મુસ્લિમ મુઆઝિનોને અપાતાં માનધનમાં વધારો કર્યો છે અને ભાજપને સત્તા મળશે તો બંગાળીઓને પ્રિય માછલી અને માંસાહારી ખોરાક ઉપર પ્રતિબંધ મુકાશે એવો પ્રચાર શરૂ કર્યો છે, જે બતાવે છે કે સત્તા મેળવવા માટે કેટલી `મમત' છે, ગમે તે કક્ષાએ નીચે ઊતરી શકાય છે ! મોદી - ભાજપને હરાવવા માટે હવે વિરોધપક્ષોએ મોદીની નકલ કરીને એમનો જ વ્યૂહ અપનાવ્યો છે. વિકાસ અને રાહત યોજનાઓમાં મહિલાઓ અને યુવાવર્ગને કેન્દ્રમાં રાખીને જાહેરાતો કરી છે. ભૂતકાળમાં વચનોની લહાણી થતી હતી, પણ મતદારોને નેતાઓનાં વચનોમાં વિશ્વાસ નહીં રહ્યો હોવાથી હવે ઍડવાન્સમાં - આગોતરી નાણાસહાય અપાય છે ! સત્તા માટે લોકશાહીનું સ્થાન નાણાશાહીએ લીધું છે. ચૂંટણીના ઘોષણાપત્રોમાં જે જાહેરાતો થઈ છે તેનાથી આશ્ચર્ય નહીં, પણ સમજદાર નાગરિકોને ચિંતા જરૂર થાય - થવી જોઈએ કે આપણાં અર્થતંત્રની દશા કેવી થઈ રહી છે ! રિઝર્વ બેન્ક અને નાણાં ખાતાંના આર્થિક સર્વેમાં જણાવાયું હતું કે રાજ્યોનાં નાણાં તંત્ર - નાણાકીય સ્થિતિ સામે મોટું જોખમ - `નાણાકીય લોકપ્રિયતા - લહાણી' હશે. લોકહિત નહીં - લોકપ્રિય પગલાંનું જોખમ છે. હવે આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ. વાસ્તવમાં આ `નાણાશાહી'નો આતંક રોકવા માટે જ એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય છે! અત્યારે તો રાજ્ય સરકારોના ખજાના ખૂલી ગયા છે ! ચાર રાજ્યની સરકારોએ જાહેર કરેલી નવી રાહત યોજનાઓ માટે 37 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને છેલ્લા એક મહિનામાં 20 હજાર કરોડ તો વહેંચાયા પણ છે. ચૂંટણીપંચ આચારસંહિતા જાહેર કરે તે પહેલાં આ જાહેરાતો - વહેંચણી થઈ ગઈ છે ! તામિલનાડુમાં ડીએમકે મુખ્યપ્રધાન એમ. કે. સ્ટાલિને મહિલાઓને ખુશ કરી છે. ચોખા માટે રેશન કાર્ડ ધરાવતા પ્રત્યેક પરિવારોને રૂા. 3000 પોંગલ ભેટની જાહેરાત થઈ છે. શ્રીલંકાથી આવેલા તમિલ વસાહતીઓને પણ સહાય મળશે. આવા પરિવારોની કુલ સંખ્યા અઢી કરોડ છે : કુલ ખર્ચ રૂા. 6936 કરોડ. આ પછી ડીએમકે સરકારે 1.30 કરોડ મહિલાઓને - દરેકનાં ખાતાંમાં રૂા. 3000 જમા કર્યા છે. આમાંથી રૂા. 3000 ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના હપ્તામાં જમા થયા છે અને બાકીના 2000 ઉનાળાની રાહત પેટે છે. કુલ રકમ 6550 કરોડ છે. ભૂતકાળમાં ડીએમકે સરકારે મહિલાઓ માટે વિનામૂલ્યે બસયાત્રા અને માસિક રૂા. 1000થી સત્તા મેળવી હતી ! પ. બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ સરકારે તેની લક્ષ્મી ભંડાર યોજના ડબલ કરી દીધી છે. બે મહિના પહેલાં ફેબ્રુઆરીનાં બજેટમાં મહિલાઓને માસિક 1500 અને પછાત સમાજની મહિલાઓને 1700 અપાશે. એકંદર બે કરોડથી વધુ મહિલાઓને વાર્ષિક રૂા. 13,200 કરોડ મળશે. બજેટમાં બંગલાર યુવા સાથી યોજના હેઠળ બેકાર યુવાનોને 21થી 40 વયગ્રુપના હોય તેમને માસિક રૂા.1500. કુલ ફાળવણી પાંચ હજાર કરોડ. આસામ, કેરલમ્ અને પુડ્ડુચેરી : બંગાળની જેમ આસામ સરકારે 40 લાખ મહિલાઓને માસિક રૂા. 9000. એક દિવસમાં રૂા. 3600 કરોડ. કેરલમ્ની ડાબેરી સરકારે સામાજિક સલામતી યોજના હેઠળ અપાતાં પેન્શનની રકમ 1600થી વધારીને 2000 માસિક કરી છે. 62 લાખ વયસ્ક લોકોને, વિધવાઓને તથા દિવ્યાંગોને મળશે. સરકારી તિજોરી ઉપર વાર્ષિક 2976 કરોડનો બોજ. સંત સુરક્ષા યોજના હેઠળ આર્થિક પછાત મહિલાઓને માસિક એક હજાર રૂપિયાનું પેન્શન. 31થી 34 લાખ લાભાર્થીઓને કુલ વાર્ષિક રૂા. 3800 કરોડ. પ્રથમ હપ્તો ફેબ્રુ.થી શરૂ. પુડ્ડુચેરીમાં ચાર લાખ પરિવારને પરિવાર દીઠ રૂા. 3000 પોંગલ ભેટ અપાય છે. મહારાષ્ટ્ર અને બિહારમાં આવી લહાણી કે રેવડીનો ચૂંટણીલાભ રાજકીય પક્ષોને મળ્યો છે : પણ હવે તો લહાણીની સ્પર્ધા છે. સકારાત્મક પાસું જોઈએ તો વિકાસ યોજનાઓના અમલનો લાભ મળે છે, જ્યારે માસિક પેન્શન મળવાથી લોકો - વિશેષ કરીને યુવાવર્ગ આળસુ - ભિક્ષુક બને કે નહીં ? સાહસવૃત્તિ - કામ કરવાની ધગશને બદલે `િનવૃત્તિ' વહાલી ગણાશે

Panchang

dd