કોડાય, તા. 23 : માંડવી
તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોને ભારે
નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ માંડવી દ્વારા
મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક સર્વે અને વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં અને મિની વાવાઝોડાં
જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ કારણે ખેડૂતોની વાડીઓમાં ઊભા પાક જમીનદોસ્ત થઈ ગયા
છે. હાલમાં ખેડૂતો દ્વારા ઘઉં,
રાયડો, જીરું, તુવેર અને
વાલોળ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત બાગાયતી પાકોમાં કેરી,
દાડમ, કમલમ્, જામફળ અને
ચીકુ જેવા પાકોને પણ નુકસાન થયું છે. ભારે પવનને કારણે કાપણી કરેલા પાક ઊડીને બાજુની
વાડીઓમાં વેરવિખેર થઈ ગયા છે. મામલતદાર કચેરીએ નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈને
આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂત અગ્રણી કિશોરભાઈ વાસાણી, પ્રભુભાઈ દડગા, પરસોત્તમભાઈ પોકાર, ભરતભાઈ માવાણી, કિશોર રવજી કેરાઈ, માવજી છભાડિયા અને માવજી રાબડિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ખેડૂતોએ
આક્ષેપ કર્યો કે, અગાઉની પી.એમ. કિસાન ફસલ વીમા યોજના હેઠળ
પ્રીમિયમ કપાયા છતાં આજદિન સુધી કોઈ વળતર મળ્યું નથી. તો મુખ્યમંત્રી ફસલ વીમા
યોજનાનો પણ કોઈ યોગ્ય અમલ જોવા મળતો નથી.