• બુધવાર, 25 માર્ચ, 2026

કચ્છનાં ટકાઉ બાંધકામને ફરી વિશ્વનાં પોખણા

કેયૂર વૈદ્ય દ્વારા : ભુજ, તા. 23 : કચ્છે આપદાઓમાંથી ઘણું શીખ્યું છે. ખાસ કરીને 2001ના ધરતીકંપ બાદ પર્યાવરણને અનુકૂળ એવાં ટકાઉ બાંધકામની નમૂનારૂપ કામગીરીની વિશ્વસ્તરે નોંધ લેવાઈ છે. અહીંના યુવા ઈજનેર દ્વારા રણની ખારી જમીન વચ્ચે એક કંપની માટે બનાવવામાં આવેલી કેન્ટીનની રચનાને વિશ્વસ્તરે પ્રસિદ્ધ એવાં ઈજનેરી ક્ષેત્રના સૌથી જૂના મેગેઝિને તેની વિશ્વની શ્રેષ્ઠ ઈમારતોની વાર્ષિક યાદીમાં ટોપ-પાંચમાં સ્થાન આપતાં પર્યાવરણ અનુકૂળ બાંધકામને ફરી એક વખત વિશ્વનામના મળી છે.

ટોચના મેગેઝિન દ્વારા પસંદગી

મળતી વિગત  મુજબ વિશ્વના ઈજનેરી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ગણાતા `આર્કડેઈલી' મેગેઝિન દ્વારા વિશ્વભરની શ્રેષ્ઠ ઈમારતોની વાર્ષિક યાદીમાં ધોરડો સ્થિત એગ્રોસેલ કંપનીની કામદારો માટેની કેન્ટીનની ઈમારતને ટોચની પાંચ ઈમારતની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી.

સ્ટુડિયો ડોટનું નિર્માણ

કંપની માટે અનોખી ડિઝાઈન ધરાવતી આ કેન્ટીન અહીંના સ્ટુડિયો ડોટ દ્વારા નિર્માણ પામી છે. સ્ટુડિયો ડોટના યુવા એન્જિનીયર સત્ય વાઘેલાએ જણાવ્યું હતું કે, મેગેઝિન દ્વારા પાંચ વિવિધ કેટેગરીમાં વિશ્વનાં શ્રેષ્ઠ પાંચ-પાંચ બાંધકામને `પ્રોજેક્ટ ઓફ ધ યર' સ્પર્ધા માટે નામાંકિત કરાયા હતા, તેમાં અનેક તબક્કા પાર થયા બાદ ટોચના પાંચ બાંધકામને અતિમ સ્પર્ધામાં લેવાયાં હતાં. સ્પર્ધાને અંતે પોર્ટૂગલની કેનિંગ ફેક્ટરી પહેલા  ક્રમે રહી હતી, પરંતુ કચ્છની કેન્ટીનની કૃતિ છેલ્લે સુધી સ્પર્ધામાં રહી ઈજનેરી વિશ્વનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. ઉલ્લેખનીય છે કે, 1994માં જન્મેલા સત્ય વાઘેલાએ 2006-2012 દરમ્યાન જે. કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનની પ્રસિદ્ધ રિષી વેલી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તે પછી યુનિ. ઓફ મૈસૂરમાંથી આર્કિટેક્ટની ડિગ્રી મેળવી હતી.

વિશ્વસ્તરે લેવાયેલી નોંધને કારણે જાપાનીઝ મેગેઝિન ટેક્ચરે પણ તેના ટેક્ચર એવોર્ડ માટે કેન્ટીન બાંધકામને નામાંકિત કરી છે. અહીં નોંધનીય વાત એ છે કે, આ નોમિનેશન એક હજારથી વધુ બાંધકામમાંથી પસંદગી પામ્યું છે. દ. કોરિયાના મેગેઝિને પણ આ સ્ટ્રક્ચરને પસંદગી આપી છે.

વપરાયેલી વસ્તુમાંથી નિર્માણ

ધોરડોનાં રણમાં નિર્મિત આ કેન્ટીન વિશે સત્ય વાઘેલાએ કહ્યું કે, 8600 ચોરસ ફૂટમાં નિર્માણ પામેલી આ કેન્ટીનમાં વપરાયેલી તમામ વસ્તુઓ દેશી છે, તેમાં વપરાયેલાં નળિયાં તૂટેલાં મકાનોમાંથી લેવામાં આવ્યાં છે. અંધૌના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદર છતમાં વપરાશમાં લેવાયેલી લાકડાંની પટ્ટી ગાંધીધામ શો મિલના વેસ્ટમાંથી લેવાયેલી છે. તેમણે કહ્યું કે, એગ્રોસેલના મોવડીઓ દીપેશભાઈ શ્રોફ અને ચૈતન્યભાઈ શ્રોફે આ પર્યાવરણને અનુકૂળ સ્ટ્રક્ચરને તુરંત પોતાની સહમતિ આપી હતી.

800 લોકો એક સાથે ભોજન લે તેવું બાંધકામ

કંપનીનો પ્રોજેક્ટ ધોરડોના રણમાં છે. અહીં પ્રખર તાપ અને ભારે પવન સામે ટકે અને લાંબા સમય સુધી ખરાબ ન થાય એવા મટિરિયલ સાથેનું સ્ટ્રક્ચર એક પડકાર હતો, પરંતુ આખરે ચાર ડાઈનિંગ રૂમ બનાવાયા છે, જેમાં મળીને 800 જેટલા લોકો ભોજન લઈ શકે છે. અંદરના ભાગમાં નવીન `મડરોલ' મૂકવામાં આવ્યા છે, જે કુદરતી ઠંડક પ્રદાન કરે છે.

નવીન મડરોલની ભૂમિકા

મડરોલ વિશે વધુ વાત કરતાં તેમણે કહ્યું કે, તેમાં ઊન, ફેંકી દેવાયેલા જૂટના થેલા, માટીની સ્લીપ અને ચૂનાના મિશ્રણ વડે આ રોલ બનાવવામાં આવ્યા છે. લાકડાંની જાળી અને મડરોલ્સનું નિર્માણ `કારીગર શાળા ટ્રસ્ટ'ના સહકારમાં કરવામાં આવ્યું હતું. ડાઈનિંગ ફર્નિચરની કામગીરીમાં ભૂકંપ બાદ બનેલી કારીગર શાળાના પ્રથમ બેચના વિદ્યાર્થી ભાવેશ ઉમરાણિયાએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું. મડરોલ માત્ર ઠંડક જ આપતા નથી, પરંતુ અનોખી રંગછટા સાથે છતને હસ્તકલા જેવું ટેક્સચર પૂરું પાડે છે.

રસોડું પણ આગવું

આ ઈમારતનું રસોડું એક પડકાર હતો. કેમ કે, તે સતત કાર્યરત રહેવાનું હતું. રસોડાંને અલગ અને અત્યંત કાર્યક્ષમ બ્લોક તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે. રસોડાંના બ્લોકની બહારની દીવાલો પર પણ પેઈન્ટિંગને બદલે સ્ટોન ચિપ્સનો ફિનિશ આપવામાં આવ્યો છે, જે ક્ષારયુક્ત વાતાવરણ સામે વધુ ટકાઉ સાબિત થાય છે. પફ પેનલ છાપરું ઈન્સ્યૂલેશન આપે છે.

Panchang

dd