ભુજ, તા. 13 : મહત્તમ તાપમાનમાં ઉતાર-ચડાવ
વચ્ચે કચ્છમાં તાપની આણ યથાવત્ રહી છે. તાપ-ઉકળાટના માહોલ વચ્ચે હવામાન વિભાગે કમોસમી
વરસાદની આગાહી કરતાં ધરતીપુત્રોમાં ઉચાટ ફેલાયો છે. જો માવઠું પડે તો કેસર કેરીની સાથે
અન્ય પાકને નુકસાની થાય તેવી ભીતિ વ્યક્ત કરાઇ છે. મહત્તમ પારો ઘટીને ભુજમાં 38.7, કંડલા એરપોર્ટમાં 38.4, નલિયામાં 35 અને કંડલા પોર્ટમાં 36.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. લઘુતમ
પારો ઊંચો નોંધાતાં રાત્રે પણ ઉકળાટ વર્તાયો હતો. પવનની ઝડપ વધતાં લૂનો પ્રભાવ ખાસ
કરીને મધ્યાહ્ન કાળે જોવા મળ્યો હતો. પશ્ચિમી વિક્ષોભની અસરથી 18થી 20 માર્ચ દરમ્યાન કચ્છની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે
કમોસમી વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. કચ્છમાં ખાસ કરીને 18-19 માર્ચે વરસાદ પડે તેવી વિશેષ
શક્યતા વ્યક્ત કરાઇ છે. વરસાદ વરસે તો ગરમીમાં થોડી રાહત મળશે, પણ ખેતીપાકોને મોટાં નુકસાનનો ભય સતાવી રહ્યો
છે. ગરમી-ઉકળાટના માહોલ વચ્ચે વહેલી સવારે જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઝાકળ-ધુમ્મસનો
માહોલ પણ છવાયેલો જોવા મળ્યો હતો.