• રવિવાર, 15 માર્ચ, 2026

ગત અઢી વર્ષમાં ભુજ શહેરે ભરી વિકાસકામોની હરણફાળ

ભુજ, તા. 13 : આગામી તા. 16 માર્ચથી ભુજ નગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની ટર્મ પૂરી થશે અને ત્યારબાદ વહીવટદાર શાસન લાગુ પડાશે, ત્યારે આ અઢી વર્ષના સમયગાળામાં પ્રવર્તમાન પદાધિકારીઓએ શહેરના સાર્વત્રિક વિકાસ અને શહેરીજનોની સુખાકારી  માટે વિકાસકામોની વણઝાર સર્જી હતી. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામ  ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપાસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા કમલ ગઢવી તથા દંડક રાજેશ ગોરના નેજા હેઠળ વિવિધ શાખાઓના ચેરમેનો સહિત સત્તાપક્ષના તમામ નગરસેવકોના સંકલન તેમજ એકસૂત્રતાનાં બળે ગત અઢી વર્ષની મુદ્દતમાં અનેક વિકાસકામો હાથ ધર્યાં હતાં, જે નીચે મુજબ છે. - પાણી વ્યવસ્થા મજબૂત બનાવાઈ : પાણી પુરવઠા શાખાએ ચેરમેન સંજય ઠક્કરની રાહબરી હેઠળ દસ બોર પર સિસ્ટમ અને ટ્રાન્સફોર્મર લગાવવાનું કામ આરંભ્યું છે. મોબાઈલ પમ્પિંગ સ્ટેશન જનરેટર, દસ નવા બોરનું આયોજન, લેર ડેમથી સીધું ભુજ પાણી પહોંચતું થાય એવી રાજ્ય સરકાર સમક્ષ  દરખાસ્ત, આ ઉપરાંત અમૃત 2.0 ગ્રાન્ટ અંતર્ગત પાંચ નવા સમ્પનું આયોજન, નવી વસાહતોના જુદા-જુદા વિસ્તારોમાં પચાસ લાખના ખર્ચે પાણીની લાઈનો નખાઈ હતી.  - ગટરના પ્રશ્નો હલ કરવા આયોજન : ગટર શાખાના ચેરમેન ધર્મેશ જોશીની દેખરેખ હેઠળ ભુજની ગટર સમસ્યાના લાંબા ગાળાના ઉકેલ માટે શહેરમાં અંદાજિત 70 કિ.મી.ની નવી લાઈન નખાઈ રહી છે.  પાંચ નવા પમ્પિંગ સ્ટેશનનું આયોજનશહેરના ડોલર હોટેલથી ખાવડા ચોકડી, કોમર્સ કોલેજથી ત્રિમૂર્તિ મંદિર સુધી નવી ડ્રેનેજ લાઈનો પાથરવામાં આવી છે.  નવી વસાહતોમાં નવી લાઈનો, જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે અંદાજે 20 વર્ષ બાદ લાઈન બદલાવાઈ. - ગૌરવપથને આઈકોનિક રોડ તરીકે વિકસાવાશે : ગૌરવપથ હવે `આઈકોનિક રોડ' તરીકે વિકસાવવાનું કામ પ્રગતિમાં છે. સેનિટેશન શાખાના ચેરમેન અનિલ છત્રાળાનાં સંકલન અન્વયે શહેરની સ્વછતા અને આરોગ્યને પ્રાથમિકતા આપીને વિવિધ શેરીઓ સહિત સાર્વજનિક સ્થળોએ `ગાર્બેજ વલ્નેરેબલ પોઈન્ટ્સ'ના યોગ્ય નિકાલની કામગીરી  તેમજ 40,560 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો છે, જ્યારે `લેગસી વેસ્ટ' એવા 1,11,622 મેટ્રિક ટન કચરાના નિકાલ કરવાની કામગીરી પ્રગતિમાં છે.  - કલેક્ટર કચેરી માર્ગે હેરિટેજ લાઈટોનું આકર્ષણ : રોડ-લાઈટ શાખાના ચેરમેન કશ્યપ ગોર અને ટીમ દ્વારા કલેક્ટર ઓફિસથી માંડવી ઓક્ટ્રોય સુધી રોડ ડીવાઈડર પર હેરિટેજ લાઈટો લગાડીને બ્યૂટીફિકેશન કરાયું. હમીરસર તળાવની સુંદરતાને વધારતા લાઈટિંગના શણગાર સમા `થીમ રોડ' બનાવવાનું નિયત કર્યું. - ભુજને મળ્યું સુધરાઈનું નવું `અટલ ભવન' : બાંધકામ શાખાના ચેરમેન દિવ્યરાજાસિંહ જાડેજા સહિત પાંચેય મુખ્ય હોદ્દેદારનાં સંકલન અને દેખરેખ હેઠળ નગરપાલિકાની નૂતન ઓફિસ બિલ્ડિંગ `અટલ ભવન' નિર્માણ અને લોકાર્પણ થયું. ભુજના અનેક વિસ્તારોમાં સીસી રોડ, ઈન્ટરલોક, બોક્સ કલવર્ટ, કમ્પાઉન્ડ વોલ, રોડ રિસર્ફાસિંગ સહિત કામો માટે અંદાજિત 35 કરોડ બજેટ ફાળવ્યું. `વોક-વે'નું સંપૂર્ણ રિનોવેશન, આરોગ્યપથનું નિર્માણ કરાયું. સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલની ગ્રાન્ટમાંથી ભુજમાં 50થી વધુ કોમ્યુનિટી હોલ અને ફેબ્રિકેશન શેડના કામોનું લોકાર્પણ કરાયું, બાગ- બગીચાઓનો વિકાસ, કૃષ્ણાજી પુલ નવનિર્માણની ટેન્ડર પ્રક્રિયા સુધી પહોંચાડયું.  ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કેભુજના નાગરિકોની સુખાકારી હંમેશાં અમારી પ્રાથમિકતા રહી હતી. કારોબારી ચેરમેન મહિદીપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે સૌએ ટીમવર્કથી કામ કરી ભુજના ઐતિહાસિક વારસાની ધરોહરનું જતન કરી વિકાસકામો કર્યા તેમ જણાવી સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદનો સહયોગ બદલ આભાર માન્યો હતો. 

Panchang

dd