• રવિવાર, 15 માર્ચ, 2026

આદિપુરના ફોર-બી વિસ્તારને રખડતા ઢોરો બાનમાં લે છે

ગાંધીધામ, તા. 13 : આદિપુરના ફોર-બી વિસ્તારમાં રખડતા ઢોરનાં કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને અહીં શાળાઓ હોવાથી આખલાઓની લડાઈ બાળકો અને લોકો માટે જોખમી બને છે. રખડતા ઢોરનાં કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેવામાં વહીવટી તંત્ર પગલાં ભરે તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડીને ગૌશાળાઓ અને પાંજરાપોળમાં મોકલવા માટે અત્યાર સુધીમાં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. હાલના સમયે પણ રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ છે, પરંતુ રોડના કાંઠા ઉપર વેચાતો ઘાસચારો બંધ કરવામાં ન આવતાં સમસ્યા વધી રહી છે. હાલના સમયે તો આખલાઓને પકડવામાં આવે છે, પરંતુ ગાયોને પકડવામાં ન આવતાં સમસ્યા યથાવત્ છે. રખડતા ઢોરને પકડવાની કામગીરી ઝડપથી કરવી જરૂરી છે. આદિપુરના ફોર બી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી આ રખડતા ઢોરનાં કારણે લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, એક બાજુ સફાઈનો અભાવ છે, તો બીજી બાજુ રખડતા ઢોર કચરાના ઢગ પાસે અડિંગો જમાવીને બેસતા હોવાથી ગંદગી ફેલાઈ રહી છે. ખાસ કરીને આખલાઓની લડાઈ નાના- નાના બાળકો અને વડીલો તેમજ વૃદ્ધો માટે જોખમી બની રહે છે. ઘાસચારો વેચાવાનું બંધ કરાવીને અહીંથી રખડતા ઢોર પકડવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકો કરી રહ્યા છે. 

Panchang

dd