• રવિવાર, 15 માર્ચ, 2026

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર-કચ્છમિત્ર એકબીજાના પૂરક બની કામ કરશે

ભુજ, તા. 13 : વર્તમાન ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો વ્યાપ સતત વધી રહ્યો છે, ત્યારે પોતાના ક્રિએશન મારફત કચ્છના વિવિધ પાસાને ઉજાગર કરતા સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરને એક તાંતણે બાંધી સંગંઠિત કરવા કચ્છના અગ્રણી અખબાર કચ્છમિત્ર દ્વારા એક નવતર પહેલ કરાઈ છે. કચ્છમિત્ર ક્રિએટર્સ એલાયન્સની રચના કરી સંભવિત કચ્છમાં પ્રથમવાર સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર મીટનું ભુજમાં આયોજન કરવામાં આવ્યું હતું.  લાયન્સ હોલ ખાતે આયોજિત આ મીટમાં કચ્છના સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર અને કચ્છમિત્ર એકબીજાના પૂરક બનીને કામ કરે તેવી પ્ર્રતિબદ્ધતા દેખાડવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અને જીવંત સંવાદના માધ્યમથી કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે વૈચારિક આદાન-પ્રદાન કર્યું હતું.  - કચ્છના વિકાસમાં ઈન્ફલુએન્સરની મહત્ત્વની ભૂમિકા  : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ જીવંત સંવાદના માધ્યમથી પોતાના પ્રેઝન્ટેશનની શરૂઆત કરતાં કહ્યું કે, કચ્છમિત્ર 360 ડિગ્રીના કોન્સેપ્ટ સાથે વિવિધ આયોજનો હાથ ધરી રહ્યું છે. કચ્છના વિકાસમાં સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરની ભૂમિકા મહત્ત્વની હોવાનું કહી કચ્છમિત્ર ક્રિએટર્સની એલાયન્સની રચના કયા ઉદ્દેશ સાથે કરાઈ તેના પર પ્રકાશ પાડયો હતો.  - કેસીએના પ્લેટફોર્મથી મળશે આ લાભ  : કચ્છમિત્ર કિએટર્સ એલાયન્સની રચનાથી કન્ટેન્ટ ક્રિએટર્સ કન્ટેન્ટ પાર્ટનર ઓફ કચ્છ બની કચ્છીયતની સફરમાં સામેલ થઈ શકશે. વળી લીગલ સેલના માધ્યમથી કાયદાકીય કવચ આપવા, કોમર્શિયલ ગ્રોથ માટે વિશેષ પ્રોજેક્ટ, આંતર માળખાકીય સુવિધા પૂરી પાડવા સહિતના લાભો મળશે. - કચ્છના વિકાસમાં વધુ સક્રિયતાથી જોડાજો  : કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે ઉપસ્થિત ઈન્ફલુએન્સરને કચ્છના વિકાસમાં વધુ સક્રિયતાથી જોડાવા આહ્વાન કર્યું હતું. સોશિયલ મીડિયાનો પાવર હવે મહત્ત્વનો બની ગયો છે, ત્યારે કચ્છમિત્રએ અખબારી ધર્મ નિભાવવા સાથે સામાજિક જવાબદારી નિભાવવા 360 ડિગ્રી કોન્સેપ્ટથી કામ કરી રહ્યાનું જણાવ્યું હતું. આ મીટમાં કચ્છમિત્રના મેનેજર મુકેશ ધોળકિયા, મદદનીશ તંત્રી નિખિલ પંડયા, મદદનીશ વ્યવસ્થાપક હુશેન વેજલાણી, દત્તુ ત્રિવેદી સહિત કચ્છભરમાંથી આવેલા સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર, કચ્છમિત્ર પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન -આભારવિધિ ડો. પૂર્વી ગોસ્વામીએ કર્યાં હતાં. - ઈન્સ્ટિટયૂશનલ સપોર્ટ મળશે  : હાર્દિકભાઈ મામણિયાએ કહ્યું કે, કેસીએ એટલે કે, કચ્છમિત્ર ક્રિએટર્સ એલાયન્સના માધ્યમથી કચ્છના કન્ટેન્ટ ક્રિએટર્સને ઈન્સ્ટિટયૂશનલ સપોર્ટ મળશે. ઈન્ફલુએન્સર દ્વારા જે કોઈ રીલ બનાવે છે તેને વધુ રીચ મળે અને તેના ફોલોઅર્સ વધે તેની સાથે ડિજિટલ બિહેવિયર સમજવાની પહેલ કરવામાં આવી છે. આ જ બિહેવિયર કોમર્શિયલ ગ્રોથ માટે ઘણું ઉપયોગી નિવડશે. કચ્છમિત્રની બ્રાન્ડવેલ્યૂનો સોશિયલ મીડિયા ઈન્ફુલએન્સરને લાભ મળશે, તેમ કહી વિવિધ પાસા પર પ્રકાશ પાડયો હતો. કન્ટેન્ટ ક્રિએટર્સને કચ્છની વિરાસતને જાળવવા, ફેક ન્યૂઝ નહીં આપવા, પ્રોફેશનલ કન્ટેન્ટને જાળવી રાખવા જણાવાયું હતું. - લોકપ્રશ્નોના ઉકેલને અગ્રતા આપજો : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલાએ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરને લોકપ્રશ્નના ઉકેલને અગ્રતા આપવા કહ્યું હતું. સૌરાષ્ટ્ર ટ્રસ્ટનું કાર્ય લોકોના પ્રશ્નોના ઉકેલને પ્રાધાન્ય આપવાનું છે, ત્યારે કન્ટેન્ટ ક્રિએટર્સને સૌરાષ્ટ્ર  ટ્રસ્ટની બ્રાન્ડવેલ્યૂનો લાભ લેવા કહ્યું હતું. - બાળ સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે સૌનું ધ્યાન ખેંચ્યું : આ મીટમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે પોતાની સોશિયલ મીડિયાની યાત્રાની વાત કરી હતી. ખાસ કરીને આ મીટમાં ઉપસ્થિત કચ્છના સૌથી નાની વયના બાળ ઈન્ફલુએન્સર એવા ચોબારીના સંચિત રામજી મેરિયાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. - કચ્છમિત્ર ક્રિએટર્સ એલાયન્સમાં ઇન્ફ્લુએન્સર્સ ઉત્સાહથી જોડાયા : સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર મીટમાં વિસ્તૃત ચર્ચાને પગલે ઉપસ્થિત સૌ ઉત્સાહિત ઇન્ફલુએન્સર્સે કચ્છમિત્ર ક્રિએટર્સ એલાયન્સમાં જોડાવા સંમતિ આપી હતી. - કચ્છમાં નોલેજ સેન્ટર ઊભું  કરવાનો વિચાર વહેતો કરાયો : આ મીટમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના ગ્રંથાલયોના પૂર્વ નિયામક એવા વર્ષાબેન મહેતાએ કચ્છમાં નોલેજ સેન્ટર અને ડેટા બેન્ક બનાવવા માટે કચ્છમિત્ર આગેવાની લે તેવો વિચાર વહેતો કરતું સૂચન કર્યું હતું. હાર્દિકભાઈએ આ બાબતે જરૂરી સહયોગની  ખાતરી આપી હતી. આ મીટમાં હાજર રહેલા ધવલ સંઘવીએ કચ્છના પ્રથમ ઓટોમેશન સોફ્ટવેરની માહિતી આપી હતી. 

Panchang

dd