• મંગળવાર, 10 માર્ચ, 2026

આકરા તાપથી કચ્છ કાળઝાળ : પારો 40ને પાર

ભુજ, તા. 9 : ફાગણ માસ પૂર્ણતા ભણી છે, ત્યારે ફાગણમાં જ ચૈત્ર-વૈશાખની યાદ અપાવે તેવા અંગ દઝાડતા તાપથી કચ્છનું જનજીવન આકુળવ્યાકુળ છે. કચ્છના મુખ્ય ત્રણ મથકમાં મહત્તમ પારો 40 ડિગ્રીને પાર થતાં જનજીવન ત્રાહિમામ પોકારી ઊઠયું હતું. કંડલા પોર્ટમાં પારો 41.4 ડિગ્રીએ, તો ભુજમાં 40.4 અને અંજાર-ગાંધીધામમાં 40.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. કંડલા પોર્ટ રાજકોટ પછી રાજ્યનું બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. કચ્છમાં સામાન્ય રીતે ચૈત્ર માસમાં ગરમી પોતાનો પ્રભાવ દેખાડે છે, પણ આ વખતે ઉનાળાએ જાણે કે, વહેલી દસ્તક દઈ દીધી હોય તેમ મહત્તમ પારો સડસડાટ ઊંચે ચડી રહ્યો છે. હવામાન વિભાગે વધુ ત્રણ દિવસ માટે હિટવેવ એટલે કે, ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી કચ્છ સહિતના જિલ્લાઓ માટે જારી કરી છે. મહત્તમ તાપમાન વર્તમાન ઉનાળાની સિઝનમાં પ્રથમવાર મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થતાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર વર્તાયેલી જોવા મળી હતી. ખાસ કરીને બપોરના સમયે રસ્તા પર લોકોની ચહલ-પહલ સાવ પાંખી જોવા મળતાં સ્વયંભૂ સંચારબંધી જેવો નજારો જોવા મળ્યો હતો. કચ્છમાં એકમાત્ર નલિયામાં 37 ડિગ્રી મહત્તમ અને 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતાં વાતાવરણમાં થોડી વિષમતા જોવા મળી હતી. ભુજ માટેના સ્થાનિક વર્તારામાં બુધ-ગુરુ આસપાસ મહત્તમ પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના દેખાડાઈ છે. ત્રણ દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Panchang

dd