• મંગળવાર, 10 માર્ચ, 2026

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ વહીવટી ગતિવિધિએ વેગ પકડયો

ભુજ, તા. 9 : રાજ્યની સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થાય તેવું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ વહીવટી ગતિવિધિઓએ વેગ પકડયો છે. ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થાય તે પહેલાં ચૂંટણી કામગીરી માટે સ્ટાફની ફાળવણી કરવા અને ઈવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગનું કાર્ય હાથ ધરવા સહિતની ગતિવિધિ વેગીલી બનાવાઈ છે.

10 હજારથી વધુના પોલિંગ સ્ટાફની જરૂર પડશે

ચૂંટણીપંચની નવી માર્ગદર્શિકા અનુસાર હવે એક બૂથમાં 1200 જેટલા મતદારને સમાવવાના થાય છે. આગામી ચૂંટણીમાં કચ્છમાં જિલ્લા અને તાલુકા પંચાયત ઉપરાંત નગરપાલિકામાં 10 હજારથી વધુના પોલિંગ સ્ટાફની જરૂર પડશે. આ સ્ટાફને કયા વિભાગમાંથી લેવાના થાય તે અંગે તંત્રવાહકો દ્વારા તારવવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી સંદર્ભે જે માહિતી માગવામાં આવી છે, તે મોકલી આપવામાં આવી હોવાનું તંત્રના સત્તાવાર સૂત્રો દ્વારા જણાવાયું છે.

એપ્રિલ-મેમાં ચૂંટણી યોજાઈ શકે

સરની કામગીરીના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેના નિયત સમયે યોજી શકાઈ નથી. જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતાં થોડો સમય વહીવટદાર શાસન આવશે. એપ્રિલના અંતિમ સપ્તાહ કે પછી મેના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજવામાં આવી શકે, તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ થવા તરફ

કચ્છમાં ચાર નગરપાલિકા, નવ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 38 બેઠક માટે ઈવીએમ મારફત ચૂંટણી યોજાવાની છે, ત્યારે ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણતા તરફ છે. નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ અલગ-અલગ તબક્કામાં હાથ ધરવામાં આવ્યું હતું.

Panchang

dd