ભચાઉ, તા. 23 : તાલુકા પંચાયતની યોજાયેલી બજેટની સામાન્ય
સભામાં 22.65 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર
થયું હતું. તાલુકા પંચાયતના કાર્યકારી પ્રમુખ દેવીબેન પરબતભાઈ ચાવડાની
અધ્યક્ષતામાં યોજાયેલી બજેટ સામાન્ય સભામાં આ વર્ષ 2026-27નાઅંદાજપત્રને બહાલી આપવામાં આવી
હતી. તાલુકા પંચાયતની મુદત બેથી ત્રણ મહિનામાં પૂરી થશે, ત્યારે ગ્રામ પંચાયતોમાં
વિકાસકામોને વેગ આપવાના નિર્ધાર સાથે બજેટ રજૂ કરાયું હતું. વિકાસકામોમાં ગ્રામીણ
માર્ગો, ગટરલાઈનના
કામો, પાણીની લાઈનનાં કામો, પેવરબ્લોક,
રોડલાઈટ, સી.સી.ટી.વી. જેવી સુવિધાઓને
પ્રાધાન્ય આપવામાં આવશે. નાયબ હિસાબનીશ ભાવનાબેન ભાઈલાલ ઠક્કરે બજેટ રજૂ કર્યું
હતું. તાલુકા વિકાસ અધિકારી વજેસિંહ પરમારે પૂરક વિગતો જણાવી હતી. બજેટમાં ઊઘડતી
સિલક 21,53,95,000 દર્શાવવામાં આવી છે. આવક 100 કરોડથી
ઉપરની દર્શાવાઈ છે અને ખર્ચ 99 કરોડનો દર્શાવાયો છે. કારોબારી
ચેરમેન રામીબેન નાથાભાઈ રબારી,
શાસક પક્ષના નેતા દેવરાજ ખીમજી પટેલ, સામાજિક
ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કેશાભાઈ ચૌહાણ, સભ્યો
ઉપસ્થિત રહ્યા હતા.