• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં વિકાસનાં કામોમાં ઠેકેદારોની બેદરકારીથી સમસ્યાઓ વધી

ગાંધીધામ, તા. 23 : ગાંધીધામ આદિપુર જોડિયાં શહેરો સહિત મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસનાં કામો કરવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવી રહી છે અને લોકોને રોડ, રસ્તા, પાણી, ગટર, લાઈટ સહિતની સારી માળખાંગત સુવિધાઓ મળી રહે, તે માટે મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ઠેકેદારો ગંભીર બેદરકારી દાખવતા હોવાથી સમસ્યાઓ વધી રહી છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ઠેકેદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે નવીનીકરણ માટે કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર આપી દીધા છે, પણ માર્ગ ખોદીને રાખી દીધા પછી ધીમી ગતિએ કામ થઈ રહ્યાં છે, જેના કારણે લોકોને પડતી મુશ્કેલી મુદ્દે ગાંધીધામ શહેર કોંગ્રેસ મહામંત્રી લતિફભાઈ ખલીફાએ ઠેકેદારો સામે પગલાં ભરવા  માંગ કરી છે. ઘણી જગ્યાઓ પર પીજીવીસીએલના પોલ નડતરરૂપ છે, તો જે જે જગ્યાઓ ઉપરથી વીજ પોલ હટી ગયા છે, ત્યાં ઠેકેદારો દ્વારા નિયમિત કામ કરવામાં આવતું નથી, ખાડા ખોદીને રાખી દેવામાં આવ્યા છે. આવા ઠેકેદારો ઉપર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા સવાલ ઉઠવાયા છે. વિવિધ જગ્યાઓ ઉપર ઠેકેદાર અથવા તો પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર પીવાનાં પાણીની લાઈન તેમજ ગટર લાઈન તોડી નાખે છે તેમની સામે કાર્યવાહી કરીને દંડની વસૂલાત કરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત થતી અલગ અલગ કામગીરીઓમાં  દેખરેખનો અભાવ છે, કોન્ટ્રાક્ટરો નગરપાલિકાના કર્મચારીઓને ગાંઠતા નથી, મન પડે તેમ કામ કરી રહ્યા હોવાની રાવ કરાઈ છે. એન્જિનીયારિંગ વિભાગ દ્વારા યોગ્ય સુપરવિઝન અને મોનિટારિંગ થતું ન હોવાનો આક્ષેપ કરાયો છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા અને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજને મેહુલ દેસાઈ દ્વારા તમામ વિકાસનાં કામોની સમીક્ષા કરીને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે.

Panchang

dd