• મંગળવાર, 08 જુલાઈ, 2025

ભચાઉ તાલુકામાં વાવણીલાયક વરસાદ, ડેમમાં નવાં નીર આવ્યાં

ભચાઉ, તા. 7 : ભચાઉ શહેર તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થયો છે. સિંચાઈ માટે મહત્ત્વના મનાતા કકરવાના ડેમમાં નવા નીરની આવક થઈ છે. અન્ય તાલુકાઓની સરખામણીમાં અહીં વરસાદ ઓછો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં વાવેતર થઈ શકે તેટલો વરસાદ પડ્યો છે. ભચાઉમાં રવિવારના રાતથી લઈને સોમવાર સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ સિઝનનો કુલ સાત ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરની સાથેસાથે ગ્રામીણ વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા. આધોઈમાં વાવણીલાયક વરસાદ પડ્યો હોવાનું ભીમજીભાઇ પટેલે જણાવ્યું હતું, કકરવા કંથકોટ અને ઉપરવાસમાં જેટલો વરસાદ પડતાં ચાંગમાં નવાં નીરની આવક થઈ હતી. આ ડેમ સિંચાઈ માટે અતિ મહત્ત્વનો અને ઉપયોગી છે તેમ એડવોકેટ એમ. કે. ઉંદરિયાએ જણાવ્યું હતું. લલિયાણા, મોડપર, લખધીરગઢ કુંભારિયા, લાકડિયા, જંગી, વિજપાસર સહિતના વિસ્તારોમાં લગભગ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે અને વાવણી થઈ શકે તેમ છે, તેમ ગાગલભાઈ બીજલભાઇ હમીરાએ જણાવ્યું હતું. લાખાવટ, માય, કરમરિયામાં રાત્રિના દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો હોવાનું ગણેશભાઈ આણદાભાઈ ઉંદરિયાએ જણાવ્યું હતું. ચીરાઈ, નંદગામ, જશોદાધામ, ગોકુળગામમાં વાવણીલાયક દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જિલ્લા પંચાયતના સભ્ય ગેલાભાઈ દાનાભાઈ આહીરે ઉમેર્યું હતું. ડેમમાં નવાં નીર આવ્યાં છે, પરંતુ તળાવ હજુ ખાલી છે, અન્ય તાલુકાની સરખામણીએ વરસાદ ઓછો પડ્યો છે.

Panchang

dd