ભુજ, તા. 29 : રાજ્યની સાથે કચ્છમાં આ વખતે
ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખવાનું મન મનાવી લીધું હોય તેમ હોળી પૂર્વેથી જ તાપે
પોતાનો આકરો પ્રભાવ વર્તાવવાનું શરૂ કરી દીધુ છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં તો વિક્રમી
ગરમી પડી હોય તેમ આ આખોય મહિનો જિલ્લાના બે મુખ્ય મથકો ભુજ તેમજ અંજાર-ગાંધીધામમાં
મહત્તમ પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે. વીતેલા
બે-એક દાયકામાં પ્રથમવાર એવું બન્યું છે કે, આખો એપ્રિલ માસ એકલ- દોકલ દિવસને બાદ કરતાં મહત્તમ તાપમાન સામાન્યથી ત્રણથી
ચાર ડિગ્રી વધુ નોધાયું હોય.હવામાન વિભાગમાંથી મળેલ સત્તાવાર આંકડા પર એક નજર કરીએ
તો એપ્રિલ મહિનામાં અંજાર-ગાંધીધામ વિસ્તારને સમાવતા કંડલા એરપોર્ટ કેન્દ્ર ખાતે મહત્તમ
પારો છ વખત 4પ ડિગ્રીને
પાર થયો છે. મહિનામાં એક જ દિવસ એવો હતો કે, જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી સહેજ નીચે ઊતર્યું હતું. આ વિસ્તારમાં આખો મહિનો સરેરાશ
42થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન અટકેલું રહેતાં અગનગોળો વરસતો હોય તેવી
આકરી ગરમી અનુભવાઈ હતી.જિલ્લા મથક ભુજની વાત કરીએ તો અહી પણ એપ્રિલમાં માત્ર બે જ દિવસ
એવા હતા કે, જ્યારે મહત્તમ પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો છે. બાકીના દિવસોમાં મહત્તમ તાપમાન સરેરાશ
41થી 43 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. કચ્છમાં સામાન્ય રીતે એપ્રિલમાં
મહત્તમ પારો ભૂતકાળમાં 4પ ડિગ્રી
સુધી પહોંચી ચૂકેલો છે, પણ 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન
આખો મહિનો સતત નોંધાયું હોય તેવું દાયકાઓ પછી અને સંભવત: પ્રથમવાર બન્યું છે. - ચાર વખત કચ્છનાં
મથકો દેશમાં મોખેર રહ્યાં : એપ્રિલમાં
ચાર વખત એવું બન્યું છે કે, જ્યારે કચ્છના
મથકો દેશમાં ગરમીમાં મોખરે રહ્યાં હતાં. કંડલા એરપોર્ટમાં પારો 46, તો ભુજમાં 4પ ડિગ્રી નજીક પહોંચ્યો હતો. ત્રણ વખત અંજાર-ગાધીધામ
અને એક વખતે ભુજ દેશમાં મોખરાનું ગરમ મથક બન્યું હતું. 2017માં ભુજમાં એપ્રિલમા નોંધાયેલ
4પ.8 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ જોકે જળવાયેલો રહ્યો છે. - મેમાં પણ
પ્રખર તાપ કેડો નહીં મૂકે : મેમાં પણ
કચ્છમાં પ્રખર તાપનો માહોલ યથાવત્ રહેશે. સરેરાશ મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે નોંધાશે. મેના પ્રથમ અઠવાડિયાંમાં વાતાવરણમાં પલટાનું
અનુમાન હવામાન નિષ્ણાતો દ્વારા વ્યકત કરાયું છે.