ભુજ, તા. 4 : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન
મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય અને કચ્છી લેવા પટેલ
કુમાર વિદ્યાધામ-ભુજ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે `રમતોત્સવ 2026-27'નું આયોજન કરાયું હતું. સરદાર
પટેલ વિદ્યા સંકુલ ખાતે આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ `લાલજીભાઈ રૂડા પિંડોરિયા રમતગમત સંકુલ'માં રમતગમત મહોત્સવના પ્રારંભે મહાનુભાવોની ઉપસ્થિતિ
કાર્યક્રમની શરૂઆત રમતગમતના નિયમો અને શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ સાથે થઈ હતી. આ પ્રસંગે
દીકરાઓનો ઉત્સાહ વધારવા માટે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકુર અને વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ
2026ના ગોલ્ડ મેડાલિસ્ટ હિનાબેન
રાજગોરે ઉપસ્થિત રહીને રમતવીરોને વૈશ્વિક કક્ષાએ ચમકવાની પ્રેરણા પૂરી પાડી હતી. સંસ્થાના
પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા (કચ્છી લેવા પટેલ સમાજ,
ભુજ) અને અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા (કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ
મેડિકલ ટ્રસ્ટ), સેક્રેટરી મનજીભાઈ પિંડોરિયા, કેશરાભાઈ પિંડોરિયા, મેઘજીભાઈ પટેલ (દાતા ટ્રસ્ટી), ધનસુખભાઈ શિયાણી,
ટ્રસ્ટી ગોપાલભાઈ પટેલ, વિનોદભાઈ પિંડોરિયા,
રામજીભાઈ સેંઘાણી, કરસનભાઈ મેપાણી, લક્ષ્મણભાઈ રાઘવાણી, કાન્તાબેન રાબડિયા, પુષ્પાબેન વી. મેપાણી, કસ્તૂરબેન ગોરસિયા, હરીશભાઈ વેકરિયા, મનીષભાઈ પટેલ (પ્રમુખ કચ્છ માધ્યમિક
સંઘ), અમિતભાઈ તેપન (હેન્ડબોલ કોચ), યુવક
સંઘના કાર્યકરો તથા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને
ખેલદિલીપૂર્વક રમવા માટે આશીર્વાદ આપ્યા હતા. આ રમતોત્સવમાં ધોરણ 7થી 12ના દીકરાઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. મેદાન પર જુદી-જુદી
રમતો જેવી કે દોડ, ફેંક,
કૂદ, ખો-ખો, કબડ્ડી અને હેન્ડબોલ
જેવી પરંપરાગત તથા આધુનિક રમતોનું આયોજન કરાયું હતું. દરેક વિદ્યાર્થીએ પોતાની આગવી
રમતગમતમાં શક્તિનું પ્રદર્શન કરી સંસ્થાની સિદ્ધિઓમાં એક નવું મોરપંખ ઉમેર્યું હતું,
મહેમાનોએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનોથી
બાળકોમાં ટીમવર્ક, નેતૃત્વ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટકી રહેવાના
ગુણોનો વિકાસ થાય છે. સમાપન કાર્યક્રમના અંતે વિજેતા બનેલા રમતવીરોને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો
આપીને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. સંસ્થાના ગૃહપતિ ભરતભાઈ, આચાર્યા કોમલબેન ઠક્કર અને વ્યાયામ શિક્ષકો સાથે સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત
ઉઠાવી હતી.