• રવિવાર, 05 જુલાઈ, 2026

ખાવડા - બન્નીમાં કન્યા કેળવણીનું `ઉત્થાન'

મુંદરા, તા. 4 : કચ્છના ખાવડા-બન્ની જેવા અંતરિયાળ વિસ્તારમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલા `પ્રોજેક્ટ ઉત્થાન'નાં નોંધપાત્ર પરિણામો જોવાં મળ્યાં છે. વિકસતા ખાવડામાં હવે ઊર્જા ઉત્પાદન સાથે શિક્ષણ અને સામાજિક વિકાસની દિશામાં પણ પરિવર્તન નોંધાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્થાનિક શિક્ષિત યુવાનોને `ઉત્થાન સહાયક' તરીકે જોડવામાં આવ્યા છે. ગામના જ યુવાનો દ્વારા વાલીઓ સાથે સતત સંવાદ સાધવામાં આવતાં શિક્ષણ અંગે વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને મહિલા સહાયિકાઓએ દીકરીઓના શિક્ષણ સામે રહેલા સામાજિક અને સાંસ્કૃતિક અવરોધો દૂર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઘરકામ અથવા અન્ય સામાજિક કારણોસર શાળાએ નિયમિત જઈ ન શકતી દીકરીઓ માટે પ્રોજેક્ટમાં અનુકૂળ અભ્યાસ મોડેલ અપનાવવામાં આવ્યું છે. ઉત્થાન સહાયકો દ્વારા ઘરઆંગણે માર્ગદર્શન, 2-3 દીકરીના નાના અભ્યાસ સમૂહો અને અનુકૂળ સમય-સ્થળની વ્યવસ્થા ગોઠવાઈ છે. સતત માર્ગદર્શનનાં પરિણામે બોર્ડ પરીક્ષામાં દીકરીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. આ વર્ષે ધોરણ-10 (જજઈ)માં 20 દીકરી અને ધોરણ 12 (ઇંજઈ)માં 18 દીકરી ઉત્તીર્ણ થઈ છે. આ પરિણામો ખાવડા - બન્ની વિસ્તારમાં કન્યા કેળવણી પ્રત્યે વધી રહેલા સકારાત્મક બદલાવને દર્શાવે છે. આ વિસ્તારમાં પરંપરાગત માન્યતાઓ અને સંકોચ દીકરીઓના શિક્ષણમાં મોટા પડકારો માનવામાં આવતા હતા. જો કે, અદાણી ફાઉન્ડેશનની ટીમે યોગ્ય માર્ગદર્શન તેમજ દીકરીઓને અનુકૂળ પરિસ્થિતિમાં ભણવાની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવી છે. 

Panchang

dd