• રવિવાર, 05 જુલાઈ, 2026

10 વર્ષની બાળકી સાથે અડપલાંના આરોપીને પાંચ વર્ષની સખત કેદ

ભુજ, તા. 4 : નવેક માસ પૂર્વે માધાપરના ટયુશન ક્લાસમાં 10 વર્ષની બાળકીની એકલતાનો ગેરલાભ લઇ આરોપી કનૈયા દલપતરામ પરમાર (ઉ.વ. 44)એ શારીરિક અડપલાં કર્યાના આ ચકચારી બનાવમાં ભુજની ખાસ પોકસો કોર્ટે આરોપીને દોષી ઠેરવી પાંચ વર્ષની સખત કેદ અને રૂા. 75 હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની સુનાવણી દરમ્યાન કોર્ટના જજ જે.એ. ઠક્કરે નવ દસ્તાવેજી પુરાવા અને સાત સાક્ષીની જુબાનીના આધારે આરોપી કનૈયાને દોષિત ઠેરવી પોકસોની કલમ 9 (એમ) અને 10 હેઠળ પાંચ વર્ષની સખત કેદ તથા રૂા. 50 હજાર દંડ અને કલમ 75 (1) હેઠળ ત્રણ વર્ષની સખત કેદ અને રૂા. 25 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને સજા સાથે ભોગવવાની એટલે પાંચ વર્ષની સખત કેદ તથા કુલ 75 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ તેમજ રૂા. એક લાખનું વળતર પીડિતાને ચૂકવવા ડી.એલ.એસ.ને ભલામણ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે. ફિટકાર વરસાવનારા આ ચકચારી બનાવની ગત તા. 26-9-25ના નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ 10 વર્ષ અને 10 માસની સગીરા તેના નિત્યક્રમ મુજબ બપોરે ટયુશન ક્લાસ પહોંચી હતી અને ક્લાસમાં હજુ અન્ય વિદ્યાર્થીઓ આવ્યા ન હોવાથી આરોપી કનૈયાએ સગીરાની એકલતાનો ગેરલાભ ઉઠાવી શારીરિક અડપલાં કરતાં સગીરા ગભરાઇ જતાં રાડારાડી કરી હતી, આથી આરોપી નાસી છૂટયો હતો. આ અંગે માધાપર પોલીસે વિવિધ કલમો તળે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસકર્તા પી.આઇ. ડી.એમ. ઝાલાએ પૂરતા પુરાવા સાથે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સ્પે. પોકસો અદાલત સમક્ષ કેસ ચાલી જતાં ધાક બેસાડતો ચુકાદો અપાયો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી. મૂળ દેવરાજ વી. ગઢવીની સાથે તેમની ટીમના વાય. વી. વોરા, એ. એન. મહેતા, એચ. કે. ગઢવી અને એસ. એસ. ગઢવી હાજર રહ્યા હતા. 

Panchang

dd