ગાંધીધામ, તા. 4 : દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઓઇલ
કોર્પોરેશન લિમિટેડની મુંદરા-પાનીપત ક્રૂડ ઓઇલ પાઇપ લાઇનને નિશાન બનાવી ચોરી કરવાનો
કારસો અજાણ્યા શખ્સો દ્વારા રચવામાં આવ્યો હોવાની સળગતી વિગતો સામે આવી હતી. ક્યુ.આર.ટી.
અને પેટ્રોલિંગના કારણે તેલમાફિયાઓ પોતાના મનસૂબામાં નાકામ રહ્યા હતા. ગાંધીધામના ચુડવા
સીમ વિસ્તારમાંથી પસાર થતી ઓઇલની પાઇપ લાઇનમાંથી ચોરી કરવાના ઇરાદે અજાણ્યા શખ્સોએ
એક મીટર જેટલો ઊંડો ખાડો ખોદી નાખ્યો હતો. મુંદરાથી પાનીપત જતી આઇ.ઓ.સી.એલ.ની પાઇપલાઇન
ઊંડી છે તેમાં સુરક્ષા માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ (પી.ડી.સી.) કાર્યરત કરવામાં આવી
છે. આ પાઇપ લાઇન પૈકી એક લાઇન વિરમગામથી કંડલા સુધી આવે છે. ગત તા. 2-7ના મધરાત્રે અહીં ખોદકામ કરાતાં
આ વિસ્તારમાં શંકાસ્પદ વાઇબ્રેશન થતાં જ એલાર્મ સિસ્ટમ સક્રિય થઇ ઊઠી હતી અને કંડલા ખાતે ફરજ બજાવતા ઓપરેશન મેનેજર
નરેન્દ્ર બહેરાને આ અંગે તુરંત જાણ થઇ હતી. આ એલાર્મ વાગતાં કંપનીની ક્યુ.આર.ટી.ની
ટીમ ત્યાં તાત્કાલિક દોડી ગઇ હતી. ટોર્ચ વડે ત્યાં પ્રકાશ ફેંકતાં જ પાઇપ લાઇનની આસપાસ
ખોદકામ કરતા અજાણ્યા શખ્સોમાં નાસભાગ થઇ પડી હતી. પકડાઇ જવાના ડરથી આ શખ્સો ખોદકામ
કરવાના સાધનો ત્યાં જ પડતા મૂકીને અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા. અધિકારીઓ સવારે
અહીં પહોંચતા એક મીટર ખાડો ઓઇલ ચોરીના ઇરાદે જ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. ક્યુ.આર.ટી.ની
ટીમ માત્ર થોડી મિનિટો મોડી પડી હોત તો મોટી દુર્ઘટના અથવા કરોડોની ઓઇલ ચોરી થઇ જવાની
ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે આઇ.ઓ.સી.એલ.ના મેન્ટેનેન્સ મેનેજર ધર્મેન્દ્ર
ખેંગાર મહેશ્વરીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ સ્થળેથી મળી આવેલા સાધનો
કબજે કરી આગળની તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ અગાઉ પણ ઓઇલની પાઇપલાઇન ઉપર ખાડા
ખોદી ઓઇલની ચોરી કરવાની કોશિષના બનાવો બહાર આવ્યા છે તેમજ કંડલામાંથી નીકળતી જુદી-જુદી
લાઇનોમાં કાણાં પાડીને તેલ ચોરીના બનાવો પણ ઉજાગર થઇ ચૂક્યા છે, ત્યારે આ ચુડવાની જગ્યા કોની છે ? તેની પાછળ કોણ-કોણ છે તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી આવા તત્ત્વોને જેલ ભેગા
કરાય તેવું સૂત્રોએ જણાવ્યું હતું.