• બુધવાર, 12 માર્ચ, 2025

ભુજથી દર મહિને 20 માનસિક દિવ્યાંગ પોતાનાં ઘરે પહોંચે છે

ભુજ, તા.17 : કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા-પાથર્યા રહેતા દર મહિને 20 માનસિક દિવ્યાંગને ભુજની માનવજ્યોત સંસ્થા તેમનાં ઘર સુધી પહોંચાડે છે. દૂર-દૂરનાં રાજ્યોમાં રહેતા પરિવારજનો પોતાની ગુમ વ્યક્તિની સતત શોધ ચલાવતા હોય છે. માનવજ્યોત સંસ્થા-ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના તે માત્ર 30 દિવસના મહેમાન બને છે. જે-તે રાજ્યની પોલીસની મદદ લઇ તેઓનો પરિવાર શોધી કઢાય છે. સૌપ્રથમ વીડિયો કોલથી પરિવારજનોને તેમની વ્યક્તિ બતાવાય છે. તેમની સાથે તેમની ભાષામાં વાતચીત કરાવાય છે. ત્યાર બાદ પરિવારજનો દૂર-દૂરનાં રાજ્યોમાંથી ભુજ આવી પહોંચે છે અને પોતાની વ્હાલસોયી વ્યક્તિનો કબજો લે છે. વર્ષો પછી થતાં મિલનથી સૌ કોઇની આંખો અશ્રુભીની બને છે. પાંચ, 10, 20, 25, 30, 35 વર્ષે થતાં મિલનો પરિવારમાં ખુશીની લહેર ફેલાવે છે. અત્યાર સુધી 1900 માનસિક દિવ્યાંગને પોતાનાં રાજ્ય, શહેર, ગામ પરિવાર શોધી આપી વર્ષો પછી ફેરમિલન કરાવાયું છે. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રીતુબેન વર્મા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, દીપેશ શાહ, શંભુભાઇ જોશી, કનૈયાલાલ અબોટી સહભાગી બનતા હોય છે. માનસિક દિવ્યાંગોને ભુજ સુધી પહોંચાડવા નલિયાના જગદીશસિંહ જાડેજા, મહેશ નાગડા, નીલેશ મકવાણા, નૂરમામદ નોતિયાર, નાના ભાડિયાના દેવાંગભાઇ ગઢવી, કોઠારાના કાંતિભાઇ પોમલ, દામજીભાઇ ચૌહાણ, ગુલાબ મોતા તેમજ તાલુકા અને ગામડાઓના કાર્યકરો સહભાગી બનતા હોવાનું માનવજ્યોતની યાદીમાં જણાવાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd