તેહરાન, તા. 5 : `માણસાઈના દુશ્મન' યુદ્ધથી દુનિયા આખીમાં ઉચાટ છે, ત્યારે અહંકારી સ્વાર્થી સંઘર્ષનાં કારણે દરિયો પણ લોહીથી લાલ થઈ ગયો છે. અમેરિકા-ઈઝરાયલ
દ્વારા ઈરાન સામે છેડાયેલું યુદ્ધ હવે ભારતનાં આંગણે પણ પહોંચી ગયું છે. ભારતથી પરત
ફરી રહેલાં ઈરાની યુદ્ધ જહાજ પર અમેરિકાએ હિન્દ મહાસાગરમાં શ્રીલંકા પાસે હુમલો કરતાં
ઈરાનના નૌકાદળના 87 સૈનિકનાં
મોત થયાં હતાં. ઈરાને વળતા પ્રહારમાં અમેરિકાનું તેલ ટેન્કર ફૂંકી માર્યું હતું. આ
વૈશ્વિક યુદ્ધની આગની જ્વાળાઓ હિન્દ મહાસાગર સુધી પહોંચી છે, ત્યારે હવે ભારતે પણ પોતાના કૂટનીતિક અને સુરક્ષા
હિતોને સાચવતાં સાવધાનીપૂર્વક પગલાં ભરવાં પડશે.
દરમ્યાન ઈરાની જહાજના ડૂબવા પર ભારતીય નૌકાદળે એક નિવેદન જારી કરતાં કહ્યું
હતું કે, ઈરાન તરફથી મળેલા સંકટના સંદેશ બાદ અમે એક ટીમ મદદ માટે
મોકલી હતી. ભારતીય નૌકાદળે કોચીના કાંઠે તૈનાત આઈએનએસ ઈચ્છક જહાજ રવાના કર્યું હતું.
અમેરિકી હુમલાથી જહાજ ડૂબ્યા બાદ લાપતા થયેલા ઈરાની સૈનિકોને શોધવા માટે ભારતીય જહાજે
અભિયાન છેડયું હતું. દરમ્યાન શ્રીલંકાના સાંસદ નમલ રાજપક્ષેએ કહ્યું હતું કે,
આ હુમલાની ઘટના અમારા દેશની સાથોસાથ ભારત માટે પણ ચિંતાનો વિષય છે. ભારતના
દૃષ્ટિકોણથી જોતાં આ ઘટના માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ હિન્દ
મહાસાગરમાં શક્તિ સંતુલન અને સમૃદ્ધી સુરક્ષાના બદલતા સમીકરણનો પણ સંકેત છે. અમેરિકા
તરફથી આ પ્રકારના સૈન્ય હુમલા હજુ પણ આગળ વધશે તો ભારતે પોતાની રણનીતિ અને ઊર્જા સુરક્ષા
પર નવેસરથી વિચાર કરવો પડી શકે છે. યુદ્ધ જહાજ
આઈઆરઆઈએસ (આઈરીસ) દેના પર હુમલાથી ભડકેલાં ઈરાને ચેતવણી આપી હતી કે, `ભારતના મહેમાન' પર અચાનક હુમલો કરી દેવાની ભૂલની ભારે કિંમત
અમેરિકાએ ચૂકવવી પડશે. ઈરાની યુદ્ધ જહાજ `િફ્રગેટ દેના' ભારત દ્વારા યોજિત આંતરરાષ્ટ્રીય અભ્યાસ `િમલાન'માં સામેલ થયું હતું, જેમાં 180 સભ્ય સવાર હતા. અમેરિકી સંરક્ષણ
મંત્રી પીટ હેગસેથે કહ્યું હતું કે, હિન્દ મહાસાગરમાં અમેરિકી સબમરીને ટોરપીડોથી નિશાન સાધી, ઈરાની જહાજને ડૂબાડી દીધું હતું. ઈરાનનાં નૌકાદળે વળતા જવાબમાં અમેરિકી તેલ
ટેન્કર પર ઉત્તર ફારસની ખાડીમાં મિસાઈથી હુમલો કર્યો હતો. અમેરિકાએ ઈરાનના દાવાને બોગસ
સમાચાર લેખાવ્યો હતો, પરંતુ જો તે સાચો હોય તો ખાડીમાં શિપિંગ
પર ખતરો વધી જશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દુનિયાનું 20 ટકા તેલ લઈને ટેન્કરો પસાર
થાય છે. ઈરાને અગાઉ પર ત્રણ અમેરિકી ટેન્કર ફૂંકવાના દાવા કર્યા હતા. અમેરિકી હુમલા
અંગે ભારત સરકારના મૌન સામે વિપક્ષે નારાજગી વ્યકત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગેએ કહ્યું હતું કે, દેશના રણનીતિક
અને રાષ્ટ્રીય હિતોની ગંભીર અવગણના થઇ રહી હોવાનું વડાપ્રધાન મોદી અને તેમની સરકારની
ચૂપકીદી પરથી સ્પષ્ટ થાય છે.