• શુક્રવાર, 06 માર્ચ, 2026

આજની પેઢી કચ્છ વિશે ઓછું જાણે છે

ભુજ, તા. 5 : કચ્છ મ્યુઝિયમમાં 21 વર્ષ સુધી ક્યુરેટર તરીકે સેવા આપનાર જાણીતા ઇતિહાસવિદ્ 90 વર્ષીય દિલીપભાઇ વૈદ્ય લિખિત પુસ્તક `પૂર્વજોના પદચિહ્ન'નું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન કચ્છમિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઇ ખત્રીના હસ્તે, ધારાશાત્રી શંકરભાઇ સચદે તથા કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ પદેથી બોલતાં શ્રી ખત્રીએ જણાવ્યું હતું કે, પુસ્તક ખૂબ ટૂંકાણથી લખાયું છે, પરંતુ તેમાં કચ્છના ઇતિહાસ વિશે માહિતી છે. એમણે સૂચન કર્યું કે, નવી પેઢીના સંશોધકોએ પુસ્તકને ફરીથી વિસ્તારથી લખવું જોઇએ, જેથી વાચકને વિસ્તારથી માહિતી મળી શકે. કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે કહ્યું હતું કે, વિમોચનની આ  ક્ષણ એ ખરેખર તો ઇતિહાસ બચાવવાની ક્ષણ છે. દિલીપભાઇનાં કાર્ય વિશે બોલતાં તેમણે ઉમેર્યું કે, ઇતિહાસની કોઇ પણ બાબતમાં તેઓ પૂરક માહિતી મોકલાવે જ. તેઓએ કહ્યું કે, આજની પેઢી રાજાશાહીના કચ્છ વિશે ખૂબ ઓછું જાણતી હશે. ધારાશાત્રી શ્રી સચદેએ  તેમના કુટુંબનો પરિચય આપ્યો હતો. દિલીપભાઇના પુત્ર ડો. નેહલભાઇએ પિતાના પુરાતત્ત્વ ક્ષેત્રે એક વૈજ્ઞાનિક જેવાં કાર્યને બિરદાવ્યું હતું. ડો. જાસ્મીન મહેતાએ  `ભુજમાં આતંકવાદ' પ્રકરણનું પઠન કર્યું હતું. મહિલા મંડળ છઠ્ઠીબારીમાં યોજાયેલ કાર્યક્રમમાં આરંભે પુષ્પાબેન વૈદ્યે શરૂઆત કરી હતી. મહાનુભાવોના દીપ પ્રાગટય બાદ મહેમાનોનું સ્વાગત જયશ્રીબેન, વીણાબેન, કાશ્મીરાબેન ભટ્ટે કર્યું હતું. વિશેષમાં વાર્તા વિહાર-કાવ્ય નિર્ઝરી ને મન સે મંચ તક અને ભુજ મહિલા મંડળના સભ્યોએ દિલીપભાઇનું સન્માન કર્યું હતું. પ્રમોદ જેઠી અને જયસુખભાઇએ પ્રતિભાવ આપ્યો હતો. મહિલા મંડળ છઠ્ઠીબારી, વાર્તા વિહાર ને કાવ્ય નિર્ઝરી, મન સે મંચ તક, નેહવૃંદ, હાસ્ય પરિવાર તથા રસિકજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જયશ્રીબેન ઠક્કરે કર્યું હતું. આ પ્રસંગે દિલીપભાઇએ કહ્યું હતું કે, આજના સમયમાં ઇતિહાસ લેખનમાં સચ્ચાઇની ખૂબ જરૂર છે. પુસ્તકમાં આલેખાયેલા પ્રસંગો આ દિશામાં થયેલું કામ છે. 

Panchang

dd