• શુક્રવાર, 06 માર્ચ, 2026

સમાજને ઝેરમુક્ત અને રોગમુક્ત રાખવા ગાય આધારિત ખેતી જરૂરી

કુકમા (તા. ભુજ), તા. 5 : ભુજ સ્વામિનારાયણ મંદિર પ્રેરિત ગાય આધારિત ખેતી અભિયાનને ચાર વર્ષ પૂરા થતાં આ નિમિતે કચ્છભરના ખેડૂતો અને બહેનો માટે તપોવન ગુરુકુળ, રામપર વેકરા ખાતે ખેડૂત પરિવાર મિલનનું આયોજન કરાયું હતું. આ મિલનનો મુખ્ય હેતુ ગાય આધારિત ખેતીના અનુભવોની આપ-લે કરવાનો હતો. અભિયાનના મુખ્ય માર્ગદર્શક અને ગુરુકુળના સંચાલક દેવચરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સમાજને ઝેરમુક્ત અને રોગમુક્ત રાખવા માટે ગાય આધારિત ખેતીનું અનાજ પૂરું પાડવાની મોટી જવાબદારી ખેડૂતોની છે. તેમણે કચ્છની આબોહવા, જમીન અને પાણીને અનુરૂપ ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. સ્વામીજીએ કહ્યું કે, આ પદ્ધતિને નિષ્ઠાપૂર્વક અપનાવવાથી ખર્ચ ઘટશે અને ઉત્પાદનમાં સફળતા મળશે.  અભિયાનના સભ્ય અને આરએસએસની ગોસેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હિરાણીએ પોતાના લાંબા ગાળાના અનુભવો શેર કર્યા હતા. તેમણે દેશી ગાયના ગોબર અને ગોમૂત્રથી જમીનની ફળદ્રુપતા વધારવા અને ખાડા પદ્ધતિથી અળસિયા તથા ઉપયોગી જીવાણુઓની સંખ્યામાં થતા વધારા વિશે માહિતી આપી હતી. શ્રી હિરાણીએ જણાવ્યું કે, જે ખેડૂતોએ ચાર-પાંચ વર્ષથી આ પદ્ધતિ અપનાવી છે તેમને ઘણી સફળતા મળી છે અને તેમણે સૌને આ દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ અભિયાનમાં જોડાયેલા 299 ખેડૂતોમાંથી ઉપસ્થિત અનેક ખેડૂતોએ સંવાદ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે ગાય આધારિત ખેતીમાં મળેલી સફળતાના અનુભવો રજૂ કર્યા હતા અને તેમને મુંઝવતા પ્રશ્નો પણ પૂછ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે વડીલ સંત  વિશ્વવલ્લભ સ્વામીએ ભુજ મંદિરના મહંત પૂજ્ય ધર્મનંદનસ્વામીના સંકલ્પ અને આશીર્વાદથી ચાલતા આ પ્રયાસને સફળ બનાવવા અને ગાય માતા તથા ભગવાનનો રાજીપો મેળવવા આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ગુરુકુળમાં આવેલી વિશાળ તપોવન ગોશાળાની મુલાકાત લીધી હતી અને ગોવ્રતિ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હોવાનું અભિયાનના સંયોજક રામજી વેલાણીએ જણાવ્યું હતું.  

Panchang

dd