ભુજ, તા. 8 : દવા તો તબીબો આપે જ છે, પણ દર્દીઓના સ્વાસ્થ્ય
સુધારમાં લોકોની દુવા પણ મહત્ત્વનો ભાગ ભજવતી હોવાની લાગણી મહાવીર ખીચડીઘર દ્વારા વર્ધમાન
જૈન બોર્ડિંગ-ભુજ ખાતે આયોજિત મેગા મેડિકલ કેમ્પના પ્રારંભે દાતા પરિવારે વ્યક્ત કરી
હતી. આધ્યાત્મ યોગી ગુરુદેવ આચાર્ય વિજય કલાપૂર્ણ સૂરિશ્વરજી મ.સા.ના 100મા વર્ષની
જન્મ શતાબ્દી નિમિત્તે પિતા સી.ડી. મહેતાની સ્મૃતિમાં માતુશ્રી કંચનબેન મહેતા પરિવારના
સહયોગથી આજે આયોજિત કેમ્પના પ્રારંભ કાર્યક્રમમાં મુખ્ય દાતા પરિવારના શિલ્પીબેન કોરડિયાએ આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયત્નશીલ એવા
માતા-પિતાના સેવાકાર્યોના સ્વપ્નને આગળ ધપાવવાની તક મળવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
શિલ્પીબેને આ સદ્કાર્યોમાં તેમના બહેન સ્મિતાબેન લોદરિયાનો પણ સહયોગ સાંપડતો હોવાનો
ઉલ્લેખ કર્યો હતો. ડો. પી.જી. શાહે સી.ડી. મહેતા પરિવારે ધન સદ્કાર્યોમાં વાપરવાની
પ્રેરણા આપી હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખપદેથી ધીરજભાઇ મહેતાએ કહ્યું
કે, 26 વર્ષથી સંસ્થા દ્વારા થતાં સેવાકામો લોકોને ખૂબ ઉપયોગી સાબિત થઇ રહ્યાં છે. સંસ્થાનાં ક્લિનિકમાં ચાલતી સેવા બદલ સંસ્થાના અગ્રણીઓની
તથા સેવા આપતા તબીબની પીઠ થાબડી હતી. મેગા મેડિકલ કેમ્પના પ્રચાર-પ્રસારના માધ્યમ કચ્છમિત્રના
મેનેજર મુકેશભાઇ ધોળકિયાએ આરોગ્ય, શૈક્ષણિક, સાંસ્કૃતિક સહિત સામાજિક વ્યવસ્થાના થતાં
કાર્યોમાં સદૈવ સહયોગની કચ્છમિત્ર પરિવાર વતી ખાતરી આપી આયોજનને બિરદાવ્યું હતું. લોહાણા
મહાજનના મંત્રી હિતેશભાઇ ઠક્કરે તમામ સમાજોને સાથે લઇ એક મહા મેગા મેડિકલ કેમ્પ યોજવાની
લાગણી વ્યક્ત કરી હતી. દિનેશભાઇ મહેતાએ મહાવીર ખીચડીઘર ખાતે ચાલતાં સાર્વજનિક દવાખાનાની
સેવાથી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા. કાર્યક્રમમાં દિનેશભાઇ મહેતા, નયનભાઇ પટવા, અશોકભાઇ
લોદરિયા, ભરતભાઇ એ.ડી. મહેતા વિ. મંચસ્થ રહ્યા હતા. પ્રારંભે તમામ મંચસ્થ અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. શાબ્દિક સ્વાગત નયનભાઇ
પટવાએ કર્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓ ધીરજભાઇ, મુકેશભાઇ, હિતેશભાઇ, દાતા પરિવારના શિલ્પીબેન
તથા તેમના પતિ ડો. પી.જી. શાહ, ભરતભાઇ મહેતા,
ડો. ધવલ દોશી, ડો. ઉમંગ સંઘવી, ડો. મૃગેશ શાહ, ડો. કૃણાલ ઠક્કર, ડો. મોહિનીબેન
શાહ, ડો. દીપ વોરાનું સન્માન દિનેશભાઇ મહેતા, રસિકભાઇ સંઘવી, રજનીભાઇ ભણસાલી, વાગડ
બે સાત ચોવિસી પ્રમુખ રિતેશ સંઘવી, વાગડ સાત ચોવિસી ભુજના ઉ.પ્ર. કમલભાઇ વોરા, ડો.
વચનભાઇ, ડો. સંકીતભાઇ, ડો. જાનકીબેન, જૈન આરાધના
ભુવનના પ્રવીણભાઇ મહેતા, નવીનભાઇ મહેતા, પ્રિયેશભાઇ, નીતિનભાઇ મહેતા, જયંતભાઇ મહેતા,
જયેશ સંઘવી, મનોજભાઇ મહેતાના હસ્તે સન્માન કરાયું હતું. કેમ્પના આયોજનના દાતા સી.ડી.
મહેતા પરિવારનું સંસ્થાના અશોકભાઇ લોદરિયા, નયનભાઇ પટવા વિ.ના હસ્તે?ખાસ અભિવાદન કરાયું
હતું. સંચાલન જે.વી. મહેતા તથા આભારવિધિ રજનીકાંતભાઇ ભણસાલીએ કરી હતી. આ કેમ્પમાં
110થી વધુ દર્દીની અમદાવાદ-મુંબઇના નિષ્ણાત તબીબોએ નિદાન કરી દવાઓ આપી હતી.