મોટી વિરાણી
(તા. નખત્રાણા), તા. 25 : ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત સ્વનિર્ભર તાલીમ
કેન્દ્ર કચ્છભરમાં ચાલી રહ્યા છે, જેમાં નખત્રાણા ખાતે શરૂ કરાયેલા નિ:શુલ્ક સીવણકામ
તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન પ્રમુખ હાજી મામદભાઈ ખત્રીના હસ્તે કરાયું હતું. આ વર્ગમાં
15 તાલીમાર્થી બહેનો જોડાયા હોવાનું જણાવ્યું હતું. ટ્રેનર તરીકે ખત્રી સરફીનશાબેન
તૌશિફ ખત્રી સેવા આપશે. કચ્છભરમાં 60 જેટલા વર્ગો શરૂ કરી 1297 જેટલા તાલીમાર્થીઓને
પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. હાલે 12 જેટલા કેન્દ્રો ચાલી રહ્યાં છે. સંસ્થાના પ્રમુખ
હાજી મોહંમદભાઈ આગરિયાએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, હુન્નરથી પોતાની
હલાલ રોજગારી સાથે સમયનો સદુપયોગ કરી આવકનો સ્રોત ઊભો કરી શકે. પ્રમુખે ઉમેર્યું હતું
કે સંસ્થાનો મુખ્ય હેતુ દરેક ધર્મ, દરેક સમાજના લોકોને આવા તાલીમ વર્ગો દ્વારા સ્વનિર્ભર
બની પોતાનો ફાળો અર્પે. આવનારા સમયમાં પણ સંસ્થા આવા તાલીમ કેન્દ્રો શરૂ કરી તાલીમ
આપશે, તેવું જણાવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓ તથા પરિવારે તાલીમ કેન્દ્ર તથા તાલીમાર્થીઓને
શુભકામના પાઠવી હતી. સંચાલન હાજી મામદભાઈ ખત્રીએ કર્યું હતું, તેવું પ્રવક્તા જલાલશા
સૈયદે યાદીમાં જણાવ્યું હતું.